TG Telegram Group Link
Channel: Divya Bhaskar
Back to Bottom
લઘુ કથા:થોર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/thor-135305066.html

પ્રકાશ કુબાવત
જગમલશેઠની જાહોજલાલી આખા પંથકમાં જાણીતી હતી. દીકરા માધવને વધુ કશું કરવાની જરૂર ન હતી. તે ગ્રેજ્યુએટ થઈને પેઢીએ બેસી ગયો.
જગમલશેઠે મહેક સાથે માધવનાં લગ્ન કરી દીધાં અને પુત્રી ચંપાને પણ ગર્ભશ્રીમંત કુટુંબમાં પરણાવી દીધી.
જિંદગી ક્યારે શું વળાંક લે તે કોઈ કહી શકતું નથી. કાર અકસ્માતમાં ચંપાના પતિનું મરણ થયું. ચંપા પુત્ર કરણ સાથે પિતાના ઘરે પાછી આવી.
જગમલશેઠ આ આઘાત સહન કરી શક્યા નહીં. તે પ્રભુના પ્યારા થઈ ગયા.
માધવ તો વહેલી સવારે પેઢીએ જતો રહેતો અને રાત્રે પાછો ફરતો. મહેકને ચંપા અને કરણ આંખના કણાની જેમ ખૂંચતાં.
માધવનો પુત્ર અંકિત દરરોજ બગીચામાં પાણી પાતો. કરણ પણ તેની પાસે ઊભો રહેતો. અંકિત જ્યારે પણ થોરને પાણી પીવડાવવા જતો ત્યારે મહેક કહેતી, ‘થોરને
પાણી પીવડાવવાનું ન હોય. નળી બંધ કરી છેલ્લે થોરના કૂંડામાં મૂકી દેવાની. ગુલાબ અને બીજાં ફૂલોને ભરપૂર પાણી આપવાનું.’
ચંપા અને કરણની હાલત પણ આવી જ હતી. વધ્યું-ઘટ્યું ખાવાનું મળતું. ગુલાબ સાથે થોર પણ આપોઆપ વિકાસ પામતો રહ્યો.
અંકિત એન્જિનિયર થઈને વિદેશ સેટ થઈ ગયો. મહેક એકવાર ખૂબ બીમાર પડી. અંકિતને ફોન કર્યો પણ તે આવ્યો નહિ. બીમારીથી મહેકને ખૂબ નબળાઈ આવી ગઈ. થોરના જીંડવાના રસે તેને નવજીવન બક્ષ્યું.
નીલે ગગન કે તલે:કપડાં વિનાનો રાજા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-king-without-clothes-135305050.html

કોઈ ફાલતુ ગીત મગજમાં પરોવાઈ જાય ને વિચારોની પછીતે વારંવાર વાગ્યા કરે, ઓ દુનિયા કે રખવાલે... તેમ આ લખાય છે ત્યારે રહીરહીને યાદ આવે છે, ઓ દુનિયા કે રખવાલે... કપડાં વિનાના પેલા રાજાની વારતા.
હજી ઓપરેશન સિંદૂરનો રંગ સુકાયો નથી, ને એર ઇન્ડિયાના વિમાનની વરાળ શમી નથી ને ધૂંઆધાર વરસાદનો માતમ વિસરાયો નથી ને ઓ દુનિયા કે રખવાલે... માનો કે સોનેરી ઝુલ્ફાંવાળો એક હતો રાજા, જેને પનામા કેનાલ પાછી ખપે છે, ને જે કેનેડાને 51મું રાજ્ય બનાવવા ચાહે છે, ને જે ટાંપીને બેઠો છે કે ક્યારે ગાઝામાં પોતાની ગોલ્ફ ક્લબો બનાવે, ને જેને મનોરથ છે ગ્રીનલેન્ડ ખરીદી લેવાનો, ને હવે આમેઆમે કોઈ દેખાતા કારણ વિના રાજો આજે ઊઠીને ઈરાનને કહે છે કે અબી કા અબી હમારા શરણાગતિ લે લો, નહીંતર હમ આયાતોલાકા એનકાઉન્ટર કર દેગા! ઓ દુનિયા કે રખવાલે... ને સામે આયાતોલા કહે છે કે અમેરિકા હમારે સામને ચૂં કે ચાં કરેગા તો છઠ્ઠી કા દૂધ યાદ કરવા દેંગા!
કદાચ આ છપાય ત્યાં સુધીમાં ઇસ પાર ઉસ પાર થઈ ગયું હોય ને આ લખાણ ને આ લખનાર ને ઐઆઈ ને ઇન્ટરનેટ ને સોશ્યલ મીડિયાફીડિયા સબકુછકા ધુંવાડા થઈ ગયા હોય. ને દુનિયા ઘોર કરપીણ વર્લ્ડ વોરના કાતિલ ખડક ઉપર આવીને અટકી છે, ને ડાયનાસોરની જેમ માનવજાત ભસ્મીભૂત થાય એવા સત્યાનાશની વકી છે, ઓ દુનિયા કે...! ઓ દુનિયા કે રખવાલે...
ને માનો કે શાંતિથી આ તોતિંગ સંકટ ચાલ્યું જાય તોયે આખી દુનિયાના પર્યાવરણવિદ વૈજ્ઞાનિકો ચીસો પાડીપાડીને કહે છે કે પેટ્રોલનો વપરાશ જલદી બંધ કરો નહીંતર આપણે કમોતે મરીશું. તો સોનેરી ઝુલ્ફાંવાળો રાજા કહે છે કે શટ્ટપ! આ શી બૈરાંવેડા જેવી ખિટખિટ! નવાનવા તેલના કૂવા ખોદાવો! ચલો ચલો, પર્યાવરણ બચાવવાની ઘેલછામાં આપણા દેશની તેલની અછત કરાવવી તે રાજદ્રોહ કહેવાય, સમથિંગ સમથિંગ. ઓ દુનિયા કે...
રાજાએ પોતે દરેક જાતના ગુના કરેલા સાબિત થયેલા છે, બિઝનેસ કા ગોટાલા, ઔરત કા દુરાચાર, લડકીલોક કા અગડમબગડમ ઔર રાજકાજ કા બદમાસી, તો પણ સોનેરી ઝુલ્ફાંવાલો આપણો રાજો જાંઘે થાપ મારીમારીને ગરીબ દેશોના નિરીહ શરણાર્થીઓને ગુંડા કહીને પકડી, હાથકડી પહેરાવીને દેશનિકાલ આપે છે, વિધાઉટ કોઈ પ્રૂફ કે કાનૂની કારવાઈ!
ઓ દુનિયા... પોતાના દેશની ગરીબી કે અત્યાચાર કે ગુંડાગર્દીથી જીવ બચાવી ભાગી આવેલા શરણાર્થીઓ અમેરિકામાં કામની પરમીટ વગર કામ કરે છે ને આપણા નાગરિકોની રોજી ઝૂંટવે છે કહીને કોઈ સાબિતી વિના! હકીકત તો તે છે કે આ દેશમાં તે અભાગી શરણાર્થીઓ ડાહ્યાડમરા થઈને અમેરિકન નાગરિકો ન કરે એવાં કપરાં કામ કરે છે, ટેક્સ ભરે છે, ઓહો ખુદ સોનેરી રાજાના રાજમહેલમાં તેમણે વર્ષો સુધી ‘ગેરકાયદે’ કામ કીધેલાં છે! ઓ દુનિયા કે રખવાલે...
અને ઓહો, જે લોકોને ખરેખર ફોજદારી ગુના હેઠળ સજા થઈ ચૂકી છે તેવા 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ કાળો કેર મચાવનાર લોકોને દેશપ્રેમી ગણાવીને રાજાએ પારડન આપી છે, યસ, ગોલ્ડન રાજાએ! અને હાલ એવા વ્યભિચારનો, બિઝનેસમાં ગોટાળા કરવાનો અને છોકરીઓ સપ્લાય કરવાનો જેના ઉપર કેસ ચાલે છે તેવા એક ગાયકને અદાલત જો સજા કરે તો પણ પોતે હસતાં
હસતાં માફી આપશે કહી અદાલતોની ઐસીતૈસી કહીને અભય આપે છે! ઓ દુનિયા...
ભૂતકાળમાં રાજાએ પોતાની નેઇમ બ્રાન્ડ હેઠળ વેચાતાં મૂકેલાં વિધવિધ શર્ટસ્, સ્પોર્ટ્સ કોટ, સૂટ્સ, ટાઈ, કફ લિન્ક અને વોડકા તેમ જ શરાબખાનાનાં ઠામડાં. અને તે સઘળી સામગ્રી, તે તમામ ચીજવસ્તુ આવતી હતી, મેઇડ ઇન ચાયના અથવા મેઇડ ઇન બાંગલાદેશ, હાન્ડુરસ, વિયતનામ, ઇન્ડિયા, કે મેક્સિકો નેધરલેન્ડ અથવા સ્લોવેનિયાથી! પણ આજે ગોલ્ડન કિંગ ચિંઘાડી ચિંઘાડીને કહે છે કે પરદેસી માલની હોળી કરો, પરદેસી માલ ઉપર ગંજાવર ટેરિફ લગાઓ, બિકાજ રાજાએ હવે ટોટલી મેઇડ ઇન યુએસએના દાવા સાથે બજારમાં મૂકેલ છે ગોલ્ડન ફોન! ઓ દુનિયા કે રખવાલે...
પોતાની સામે કામ ચલાવનાર પ્રોસિક્યૂટરો ને હાકેમોનાં હાજાં ગગડવતી ધમકીઓ આપી છે, વિરોધ પક્ષના નેતાઓને હથકડી પહેરાવી ભોંયે પછાડ્યા છે, અમેરિકાની ધરતી ઉપર અમેરિકન નાગરિકોના શાંતિમય પ્રોટેસ્ટને નાથવા ગેરકાયદે અમેરિકાની ફોજો બોલાવી છે, ને જાતે કદી કોઈ યુદ્ધમાં લડવા ન જનાર રાજા, જેઓ યુદ્ધમાં ઘવાયા કે કેદ થયા તે સર્વે નમાલા ને મૂંજી છે કહીને ઠેકડી ઉડાવનાર રાજા આજે અચાનક ફોજનો જયજયકાર કરવાના નામે પોતાનો જન્મદિન ઊજવે છે, અને પોતાના આયુના આઠમા દાયકે પહોંચેલા સોનેરી રાજા હવે અમેરિકાના દૂધમલ જુવાન જુવતીઓને ફરી જંગમાં જોતરવાના ઐલાન કરે છે! ઓ દુનિયા કે રખવાલે..
અને આપણા રાજાને રોકનાર, ટોકનાર કે ચીંધનાર કોઈ માઈનો લાલ નથી, કોઈનામાં જિગર નથી કે કહે કે રાજા ફૂદડી ફૂદડી ફૂદડી છે.
સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઇએ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-should-be-done-after-cyber-fraud-135305834.html

કેવલ ઉમરેટિયા ઇ ન્ટરનેટ અને મોબાઇલના વધેલા ઉપયોગે આપણાં જીવનને સરળ બનાવી દીધું છે. જોકે, તેની સાથે સાથે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. સાયબર ગઠિયાઓ લોકોને ચૂનો લગાવવા માટે દરરોજ અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. જેની સાથે દરરોજ હજારો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. OTP શેર કરવાથી લઇને લિંક પર ક્લિક કરતા ક્યારે બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય તે કહેવું હવે મુશ્કેલ છે. આ બધા વચ્ચે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે સાયબર ફ્રોડ થાય પછી શું કરવું જોઇએ? સૌથી પહેલાં તો સાયબર ફ્રોડ થયા બાદ ડરવાના બદલે તરત કેટલાક જરૂરી પગલાં લેવા જોઇએ. સૌથી પહેલાં તમારી બેંકને જાણ કરો
જેવી તમને ખબર પડે કે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અથવા તો કપાઇ ગયા છે તો સૌથી પહેલું કામ તમારી બેંકને જાણ કરવાનું કરો. તરત જ તમારી બેંકના એજન્ટ/મેનેજરને ફોન કરો. જો નજીક હોય તો રૂબરૂ જાઓ અથવા કસ્ટમર કેર હેલ્પલાઇન પર કૉલ કરો. બેંકિંગ એપ અથવા વેબસાઇટ પર જઈને તમારું કાર્ડ/ખાતું બ્લોક કરો. આ સિવાય પૈસા કપાયા તેની વિગતો, તારીખ અને સમય નોટ કરી લો. જો તમે 24 કલાકની અંદર બેંકને જાણ કરો છો, તો RBIના નિયમો અનુસાર પૈસા પાછાં મળવાની શક્યતા વધુ રહે છે. સાયબર હેલ્પલાઇન નંબર પર કૉલ કરો
ત્યારબાદ તરત જ ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરો. સરકારે ખાસ સાયબર ફ્રોડના રિપોર્ટ માટે 1930 પર ફોન કરો. આ હેલ્પલાઇન ટોલ ફ્રી છે. આ નંબર 24x7 કામ કરે છે. આ કૉલ પોલીસ અને બેંકિંગ અધિકારીઓને કનેક્ટ કરે છે. આનાથી તમે રિયલ ટાઇમમાં ટ્રાન્ઝેક્શનને હોલ્ડ કરાવવાનો પ્રયાસ કરી
શકો છો. આ નંબર પર ફોન કરો અને તમારી સાથે થયેલા ફ્રોડની વિગતો આપો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો
ભારત સરકારે સાયબર ગુનાઓની ફરિયાદ માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે, જે વેબસાઇટનું યુઆરએલ www.cybercrime.gov.in છે. આ પ્લેટફોર્મ પર તમે OTP ફ્રોડથી લઇને સોશિયલ મીડિયા હેકિંગ જેવી ઘટનાઓનો ઑનલાઇન રિપોર્ટ કરી શકો છો. જેના માટે સૌથી પહેલાં વેબસાઇટ ખોલો. ત્યારબાદ ‘Report Other Cybercrime’ પર ક્લિક કરો. OTP દ્વારા લૉગિન કરો. ઘટનાની તારીખ, ફ્રોડનો પ્રકાર, કેટલી રકમ વગેરે તમામ વિગતો ભરો. સાથે સ્ક્રીનશોટ અથવા ચેટ જેવા પુરાવા અપલોડ કરો. ફરિયાદ દાખલ કર્યા પછી તમને Acknowledgement નંબર મળશે જેને આગળ ટ્રૅક કરી શકાય છે. નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો
તમારા શહેરના અથવા તો જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઇને ઘટનાની લેખિત ફરિયાદ આપો. ફરિયાદ કરવા જાઓ ત્યારે જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે લઇને જાઓ. જેમ કે આધાર કાર્ડ / ઓળખ પત્ર, બેંક સ્ટેટમેન્ટ, ફ્રોડ મેસેજ/કૉલનો સ્ક્રીનશોટ વગરે. ફરિયાદ બાદ તેની રસીદ અથવા FIR નંબર જરૂર લો. ઘણી જગ્યાએ પોલીસ ‘ફક્ત પૈસાનો મામલો છે, બેંક જોશે’ કહીને છટકી જાય છે — પરંતુ યાદ રાખો, તમારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવાની જ છે. ફરિયાદ નોંધવી એ તેમની ફરજ છે અને ફરિયાદ નોંધાવવી એ આપણી ફરજ છે. પુરાવાઓને સુરક્ષિત રાખો
સાયબર ક્રાઇમના મોટાભાગના કિસ્સાઓમાં લોકો ગભરાઇને મોબાઇલ ફોર્મેટ કરી દે છે. ત્યારબાદ તેઓ પોલીસ પાસે જાય છે. આવું બિલકુલ ના કરવું જોઇએ, આમ કરવાથી તો તમે જાતે સબૂતનો નાશ કરી રહ્યા છે. પોલીસ પર વિશ્વાસ રાખીને મોબાઇલ કે કમ્પ્યુટર જે સ્થિતિમાં હોય તે રીતે તેમની પાસે લઇ જાઓ, જેથી એપરાધીની મોડસ ઓપરેન્ડી સમજવામાં અને ટ્રેક કરવામાં મદદ મળે. આ સિવાય બીજી મહત્ત્વની વાત કે WhatsApp અથવા SMS ચેટ, સ્ક્રીનશોટ જેમાં ફ્રોડ લિંક, OTP, ટ્રાન્ઝેક્શન ID, બેંકમાંથી મળેલ ઇમેલ અથવા એલર્ટ, કૉલ રેકોર્ડિંગ (જો શક્ય હોય તો) વગેરે પુરાવા સાચવી રાખવા જોઈએ.
છેલ્લે એટલું જ કેહવાનું કે સાયબર ફ્રોડ થયા બાદ ત્વરિત કાર્યવાહી ખૂબ જરૂરી છે. એક એક મિનિટનો વિલંબ તમારા પૈસા પાછા મેળવવાની શક્યતાને ઘટાડે છે. જેમ કોઇને હાર્ટએટેક આવે ત્યારે મેડિકલ ઇમર્જન્સીમાં CPR આપવામાં આવે છે, તેમ જ સાયબર ફ્રોડમાં ત્વરિત રિપોર્ટ કરવો એ CPR જેવું જ કામ કરે છે. ફ્રોડ થયા પછી શરમ કે ડર રાખ્યા વિના ઉપરનાં પગલાં અનુસરો. સજાગ બનો અને બીજાને બનાવો કારણ કે આજે તમારી સાથે થયું છે, કાલે કોઈ બીજા સાથે થઈ શકે છે.
મેનેજમેન્ટની ABCD:ટેલેન્ટનું થોરામાં ઘનું
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/talent-is-abundant-in-thora-135305096.html

બી.એન. દસ્તુર ‘ પ્રતિભા’- ટેલેન્ટ. એક ખૂબ વપરાતો શબ્દ છે અને મેનેજમેન્ટનાં સાહિત્યમાં એની બોલબાલા છે. પ્રતિભા ઈશ્વરે આપેલી દેન છે. એ આપણા ડી.એન.એ.માં છે. એ મેળવી શકાતી નથી. ફક્ત નિખારી શકાય છે. ઘણી વાર એને ઓળખવી પણ આસાન નથી. જે કંઈ કરવામાં આનંદ આવતો હોય, થાક ન લાગતો હોય તે પ્રવૃત્તિ તમારી ટેલેન્ટ હોઈ શકે છે.
મનોવૈજ્ઞાનિકો માને છે કે સફળતા માટે તમારે તમારી પ્રતિભા શોધી, એને નિખારવા માટે, એને અનુરૂપ જ્ઞાન, આવડતો, અનુભવો મેળવતા રહેવું જોઈએ. પ્રતિભાનાં અસંખ્ય રૂપો છે, પણ તમારી સુવિધા માટે આપણે નવ પ્રકારની મુખ્ય પ્રતિભાઓની ચર્ચા કરીએ... લર્નર (Learner)
જે લર્નર છે એને રોજ નવું નવું શીખવાનું ન મળે તો ચેન પડતું નથી. દરેક સફળતામાં અને નિષ્ફળતામાં છુપાયેલી તકો શોધવામાં એ માહેર હોય છે. એને સફળતાનો આનંદ લેતાં આવડે છે અને નિષ્ફળતા એને નિરાશ કરતી નથી. જે લર્નર છે, તેને આજકાલ માહિતીનો જે ઓવરલોડ છે એમાંથી જરૂરી માહિતી તારવી લેતાં આવડે છે અને એ માહિતીને જ્ઞાનમાં અને પરિણામોમાં તબદીલ કરી શકે છે.
સંસ્થાઓમાં રિસોર્સિસ હંમેશાં શોર્ટ સપ્લાયમાં હોય છે અને દરેક વ્યક્તિ વધારાના રિસોર્સ શોધતી અને સેરવી લેતી રહે છે. જે લર્નર છે એ, એની પાસે જે રિસોર્સ છે એમાંથી જ વધારે ફાયદો મેળવવાના સફળ પ્રયત્નો કરે છે.
લર્નરને સાચા સવાલો પૂછી, સાચા જવાબો શોધતાં આવડે છે. ‘મારે શું કરવું જોઈએ?’ એવો સવાલ પૂછવાને બદલે એ પૂછે છે, ‘શું કરવાની જરૂર છે?’
લર્નરને અહમ સાથે, ઈગો સાથે, જન્મજાત વેર છે, જે એ જાણવા, શીખવા માગે છે, તે નાના બાળક પાસેથી મેળવતાં એને કશો હિચકિચાટ થતો નથી. પારસીઓની ભાષામાં ‘રેડિયો નાલ્લો (નાનો) છે તેથી એમાંથી નીકળતા સમાચારો ખોટ્ટા હોતા નથી.’
દેશ-પરદેશના કુડીબંધ સફળ ઉદ્યોગપતિઓ, મેનેજરો, આન્ત્રપ્રેન્યરોના મેં ઈન્ટરવ્યૂ કર્યા છે. એમની સફળતાનાં કારણો શોધ્યાં છે. આવા ઈન્સાનો, પોતાનાથી વધારે સ્માર્ટ કર્મચારીઓને શોધે છે, સાચવે છે, જરૂરી રિસોર્સ આપે છે અને છૂટા મૂકી દે છે. જરૂરી ફીડબેક આપતા રહે છે.
લર્નરની નજરમાં દરેક કર્મચારી એક ‘નોલેજ વર્કર’ છે અને એના નોલેજની એ ખૂબ ઈજ્જત કરે છે, એમને આગળ વધવામાં મદદ કરે છે.
અચીવર (Achiever)
જે અચીવર છે, નક્કી કરેલા લક્ષ્યાંકો સર કરવાની જેને આદત જ પડી ગઈ હોય છે, તે એવું માને છે કે જિંદગી ફિનિશિંગ લાઈન વિનાની દોડ છે. રસ્તે આવતો દરેક માઈલસ્ટોન એનો ટાર્ગેટ છે. આગળના માઈલસ્ટોન તરફની દોડ શરૂ કરતા પહેલાં એ જે કંઈ બન્યું એને વાગોળે છે, જરૂરી પ્લાનિંગ કરે છે. રિસોર્સ મેળવે છે, દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જાણી લે છે અને ત્યાર બાદ જ આગળ વધે છે. અચીવરને ટાઈમ મેનેજ કરતા આવડે છે. સમય એનો બોસ બની શકતો નથી.
બિહેવિયરલ સાયન્સની પરિભાષામાં, અચીવર n Ach (need for achievement) છે. એને પરિણામોમાં જ રસ છે. રિવોર્ડ મળવાની શક્યતા ન હોય તો પણ એ એના અને સંસ્થાના લક્ષ્યાંકો સર કરતો રહે છે. અચીવર જુગાર ખેલતો નથી. જે સાવ અશક્ય છે તેની પાછળ એ સમય-શક્તિ ખર્ચતો નથી. એની નબળાઈઓને તાકાતમાં તબદીલ કરવાને બદલે, એ એની તાકાતોને રીઈનફોર્સ કરે છે. એમ્પથેટિક (Empathetic)
એમ્પથિ એટલે સમાનુભૂતિ. સામેની વ્યક્તિની નજરે દુનિયા જોતાં એને આવડે છે. અન્યની લાગણીઓને પોતાની લાગણીઓમાં ખેંચી લેતાં આવડે છે. દરેક શબ્દની પાછળ રહેલી લાગણીઓ એ સમજી શકે છે.
જે સંસ્થામાં એમ્પથેટિક લોકોની ભરમાર હોય ત્યાં મોટાસાહેબોના મસમોટા ઈગો અને ભયંકર ભૂલોનો શિકાર બનતા, નોકરીઓ ગુમાવતા કર્મચારીઓ હોતા નથી. બનવા જેવું ન બને કે ન બનવા જેવું બને તો એમ્પથેટિક મેનેજરો બકરાં શોધતાં નથી. જવાબદારી સ્વીકારે છે. (ક્રમશ:)
ઓક્સિજન:દીવો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/lamp-135305826.html

‘અ રે! જુઓ, પેલાં માજી પડી ગયાં.’
મંદિરની બહાર લાગેલી લાંબી લાઇનમાંથી કોઈએ બૂમ પાડી. બધાંની નજર તે બાજુ પડી. સામે પૂજાપાની દુકાન પાસે એક માજી પડી ગયાં હતાં. ‘કોઈ માજીને ઊભાં કરો.’ સૂચન આપવાવાળાં બહુ હતાં, પણ લાઇન છોડીને જાય કોણ? લાઇનમાં ઊભો રહેલો સરલ આ સાંભળતાં જ એ બાજુ દોડ્યો. તેણે માજીને સાચવીને એક બાજુ બેસાડ્યાં. સરલની સાથે આવેલા તેના પરિવારના સભ્યો પણ ત્યાં આવી ગયા.
પેલાં માજીને ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ ગયું હોય તેમ લાગતું હતું. સરલે પાસેની દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી અને સામેના મેડિકલ સ્ટોરમાંથી ORSનું પેકેટ લઈ આવ્યો. તેણે પાણીમાં તે પાઉડર ભેળવી માજીને શરબત પીવડાવ્યું. હાશ! માજીના જીવમાં જીવ આવ્યો. ‘બેટા, તારું ભલું થજો. મા તારી બધી ઇચ્છા પૂરી કરશે.’ માજીએ સરલને આશીર્વાદ આપ્યા. સરલે હાથ દઈ તેમને ઊભાં કર્યાં અને તેમના વિશે પૃચ્છા કરી. માજી કહે, ‘હું ઘેરથી દિવેટો બનાવીને લાવું છું અને આ રસ્તે ઊભાં રહી વેચું છું.’ માજી પાસેથી દિવેટના બે પેકેટ ખરીદી તે પરિવાર સાથે દર્શનની લાઇનમાં ઊભો રહી ગયો.
‘શું થયું? કેમ આમ બેચેન દેખાય છે?’ સરલના મોં ઉપરના આવા ભાવ જોઈ તેના પિતાએ ચિંતા વ્યક્ત કરી. ‘માજીને હવે સારું છે. તેની ચિંતા ના કરીશ.’ સરલ દિવેટ સામે જોઈ રહ્યો હતો. તેને જાણે કંઈ યાદ આવ્યું, ‘પપ્પા, સવારે ઘેરથી વહેલાં નીકળવાની ઉતાવળમાં હું ઘર-મંદિરનો દીવો પ્રગટાવવાનું ભૂલી ગયો છું.’ તેને એમ કે પપ્પા ઠપકો આપશે. પપ્પાએ પાછળ ફરી પેલાં માજી સામે જોયું, તે જાણે દૂરથી જ સરલને આશીર્વાદ આપી રહ્યા હતા. સરલના બરડે પ્રેમથી હાથ ફેરવી પિતા બોલ્યા ‘દીવો પ્રગટી ગયો.’
રેઈનબો:પંડિત ઓમકારનાથ ઠાકુર : વિરાટનો હિંડોળોથી વંદેમાતરમ સુધી…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/pandit-omkarnath-thakur-from-virats-hindol-to-vande-mataram-135305817.html

રક્ષા શુક્લ આ પણે વિશ્વસંગીત દિવસની ઉજવણી કરી દીધી ત્યારે વિશ્વમાં સંગીતને પહોંચાડનાર એક શાલીન શખ્સિયતની વાત કરવી છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતનું ગૌરવ અને ખમીરવંતા ખેડાના નાનકડા ગામથી જીવનજહાજનો પ્રારંભ કરનાર મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર.
પિતાનું મૃત્યુ થતાં પરિવારની જવાબદારી એમને શિરે આવી. માતા સુખી ઘરોમાં કામે જતી, બાળક કુમળી વયે રસોઈ કરવા જતો. સંગીતની જન્મજાત અભિરુચિ હોવાથી આસપાસના ગાયનવાદનના કાર્યક્રમમાં પહોંચી જતો. તેના મધુર કંઠથી પ્રભાવિત થઈ રામલીલાવાળાએ માસિક આઠ રૂપિયાના પગારથી બાળક ઓમકારને નોકરીએ રાખ્યો.
ભરૂચના એક પારસી સદગૃહસ્થ શાપુરજી મંચેરજીએ ઓમકારનાથનું ગાયન સાંભળ્યું. પ્રસન્ન થઇ તેમણે મુંબઈમાં પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય પ્રશિક્ષણ માટે વ્યવસ્થા કરી આપી. પં. વિષ્ણુ દિગંબર પાસેથી સંગીતની સઘન શિક્ષા મેળવી તેઓ ગ્વાલિયર ઘરાનાના ગાયક બન્યા. સાથોસાથ તેમણે પોતાની અલગ જ ગાયકી વિકસાવી. સાત વર્ષના કઠોર પરિશ્રમ પછી પંડિતજી 20 વર્ષની વયે શાસ્ત્રીય ગાયકીમાં પારંગત થયા. પં. પલુસ્કરજીએ 1916માં ઓમકારનાથની લાહોર સ્થિત ગાંધર્વ સંગીતવિદ્યાલયના આચાર્યપદે નિમણૂક કરી. અહીં તેઓ પટિયાલા ઘરાનાના પરિચયમાં આવ્યા. 1919માં તેઓ ભરૂચ પરત ફર્યા. અહીં તેમણે પોતાની સંગીતશાળા ‘ગાંધર્વ નિકેતન’ની સ્થાપના કરી.
1918માં પંડિત ઓમકારનાથજીએ પોતાનો સૌપ્રથમ સંગીત કાર્યક્રમ આયોજિત કર્યો. લોકપ્રિયતા વધતાં તેમણે દેશ-વિદેશમાં સંગીતસમારોહોમાં ભાગ લેવાનાં આમંત્રણ આવવા લાગ્યાં. 1950માં કાશી વિશ્વવિદ્યાલયમાં સંગીત વિભાગના અધ્યક્ષ રહ્યા. નિવૃત્તિ પછી ત્યાં જ કલા સંગીતભારતી નામે અકાદમી સ્થાપી. તેમણે ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ તથા ‘પ્રણયભારતી’ ઇત્યાદિ પુસ્તકો લખ્યાં છે.
ઓમકારનાથજીએ સંગીતના વિચક્ષણ ખેરખાંઓને તો પોતાની ગાયકીથી ચકિત કર્યા જ પરંતુ આમ શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કર્યા. તેમના પ્રચંડ અવાજની આશ્ચર્ય પમાડે તેવી બહોળી ટોનલ રેન્જ, ઊંડાણ અને યોગ્ય માત્રામાં ફૂટતાં અદભુત સૂરોનું મિશ્રણ બધું જ ગરિમાયુક્ત પ્રતીતિ આપતું. તેમણે પોતાની એક એવી શૈલી વિકસાવવાનું પસંદ કર્યું હતું જે પશ્ચિમી સંગીતના ઝડપી હલનચલન અને સ્વરકંપન જેવાં લક્ષણોને પણ સમાવિષ્ટ કરી મૂર્ત સ્વરૂપ આપે. ઓમકારનાથ સંસ્કૃત ભાષાના તથા સામવેદના ઊંડા અભ્યાસી હતા.
ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાયેલ ‘સદા સુહાગન’, ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી રે’, ‘મત જા, મત જા જોગી’, ‘મૈં નહિ માખન ખાયો’ ઇત્યાદિ અનેક ગીતો એકવાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય એવાં બળુકા છે. 1953માં બુડાપેસ્ટ ખાતે યોજાયેલ ‘વિશ્વશાંતિ પરિષદ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યાં તેમણે પ્રસ્તુત કરેલું ‘વંદે માતરમ’ શ્રોતાઓની અપાર ચાહના પામ્યું. પંડિતજી શયદાની ગઝલ ગાતા અને કવિ નાનાલાલનું ‘વિરાટનો હિંડોળો’ પણ ગાતા. જે રચનાઓ કાલાતીત બની ગઈ.
ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાંના આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે. ભારતના એ મહાન સંગીતજ્ઞના સન્માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભ યોજ્યો હતો, જેમાં ઓમકારનાથ ઠાકુર અને રાજકારણીઓ ઉપસ્થિત હતા.
સમારંભમાં મુસોલિનીને શું સૂઝ્યું કે તેણે ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે કહ્યું કે ‘મિ. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી’
પંડિતજીએ કહ્યું કે ‘કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. અને સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. પરંતુ સંગીતનું જે થોડું ઘણું જ્ઞાન મને છે તે, તમે કહો તો હું તમારી સામે રજૂ કરું.’
ઓમકારનાથ ઠાકુરે ડાઈનિંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલિની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.
‘બંધ કરો… બંધ કરો…’ મુસોલિની બૂમ પાડી ઊઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. બધાં લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં લોહી હતું. ત્યારથી જ્યારે પણ ભારતીય સંગીતની વાત આવે એટલે મુસોલિની આદર આપતા થઇ ગયા. સંગીત રણને ઉપવન અને પથ્થરને પાણીપોચો બનાવી શકે છે. સંગીતની કોઈ ભાષા હોતી નથી અને સંગીત માણવા ભાષા આદરૂપ બને નહીં.
ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઉપરાંત તેમને નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય, કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી, રણજિતરામ સુવર્ણચંદ્રક અને વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સની પદવી વગેરે સન્માન પ્રાપ્ત થયા છે. 1997માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. ઇતિ
આળસ એ બધા જ સદગુણોનું કબ્રસ્તાન છે.
-રોલેન્ડ
ક્યારેક લાગે છે કે પૃથ્વી પર પાંગરેલી માનવતા ચંદ શબ્દો પર ટકી રહી છે. પ્રેમ, કરુણા, અહિંસા અને આનંદ વગર માણસાઇ ન ટકી શકે. પ્રેમ અને આનંદ માણસની જરૂરિયાતો છે. કરુણા અને અહિંસા માનવતાની સાબિતી છે. જરૂરિયાતની અવગણના કરવી અને ત્યાગની આરતી ઉતારવી એ ધર્મના કોન્ટ્રાક્ટરોની મનગમતી પ્રવૃત્તિ છે.
કરુણા માણસની જરૂરિયાત નથી. અહિંસા માણસની જરૂરિયાત નથી. પ્રેમ પામે તે માણસ આપોઆપ કરુણા તરફ વળશે. ધોધમાર આનંદ પામે તે માણસને હિંસા કરવાની ફુરસદ જ નહીં મળે. પ્રેમવિહોણો સ્ટેલિન અને આનંદવિહોણો હિટલર માનવતાને પીડા પહોંચાડે છે. માણસને પ્રેમ અને આનંદને રવાડે ચડાવી દો, પછી જુઓ કે કેટલી ક્રૂરતા અને હિંસા બચે છે. કોઇ માતાને નીરખવામાં આવે તો આ વાત આપોઆપ સમજાઇ જશે.
બાસુ ભટ્ટાચાર્યે એક મિત્રને કહેલી વાત છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સંગીતની સમજણ યદુરાય પાસેથી મળેલી. યદુરાયજીને પોતાના સંગીતના જ્ઞાનથી સંતોષ ન થયો. દિવ્ય અસંતોષથી ઊભરાઇ જવું એ જ તો સાચા કલાકારની મૂડી છે. યદુરાયજીને થયું કે હિમાલયની શાંતિમાં અને પ્રકૃતિના સામ્રાજ્યમાં જઇને સંગીતને આત્મસ્થ કરવું જોઇએ.
આવું વિચારીને યદુરાયજી પૂરા છ મહિના સુધી હિમાલયની ગોદમાં રહ્યા. પછી એમને સમજાયું કે મૌનમાં અનોખું સંગીત સમાયેલું છે. કાંઇ પણ બોલ્યા વગર ચિત્તની પ્રશાંત અવસ્થામાં પ્રકૃતિમાંથી જે સ્વર સંભળાય તે ઝીલવાની તત્પરતા હોય ત્યારે મૌનનું સંગીત પ્રગટ થાય છે.
બાસુદાને સંગીતના જાદુની જાણકારી હતી. એમને યદુરાયજીની મૌન અનુભૂતિમાં રસ પડ્યો. યદુરાયજીની અનુભૂતિને ઉજાગર કરે તેવી એક ડોક્યુમેન્ટરી બનાવવાનું એમણે મનોમન નક્કી કર્યું. કદાચ તેમણે આ કામ હાથમાં લીધું હોત, પરંતુ એમના અકાળ અવસાને આ વાત પર પડદો પાડી દીધો. આપણે એક ઉત્તમ ડોક્યુમેન્ટરી ગુમાવી.
સંગીત એટલે 'આનંદ અનલિમિટેડ' નામની ઇશ્વરીય કંપનીની હોલસેલ એજન્સી. જીવન માણવાની હઠ પકડનારે સંગીતને શરણે જવું રહ્યું. સંગીતમાં પ્રગટ થતો લય એ તો કોસ્મોસનો લય છે. સૃષ્ટિની સંવાદિતા સંગીત દ્વારા પ્રગટ થાય છે. હાર્મોનિયમનો સંબંધ હાર્મની (સંવાદિતા) સાથે છે. સમગ્ર બ્રહ્માંડ એક વિરાટ હાર્મોનિયમ છે. સંગીતકાર જ્યારે સ્વરસાધનામાં તલ્લીન થાય છે, ત્યારે એ ઇશ્વરની ઇબાદત કરતો હોય છે. પ્રભુની પૂજા કરવાની એ પણ એક રીત છે.
અમેરિકન સંગીતકાર અર્નેસ્ટ બેકને 1963માં 'Notes on Piano'માં લખ્યુઃ 'Singing is speech made musical while dancing is body made poetic.' માણસના જીવનમાંથી સંગીત અને નૃત્ય ખતમ થાય પછી જે બચે તેને વૈતરું કહે છે. જગતનું કોઇ પણ પ્રાણી વૈતરું કરતું નથી. જે જે પ્રાણીઓ માણસના સંપર્કમાં આવ્યાં છે તેમની પાસે માણસે વૈતરું કરાવ્યું છે. કોઇ હાથીનો જન્મ લાકડાં ખસેડવા માટે નહોતો થયો. કોઇ ગધેડાનો જન્મ કુંભારની માટી વહેવા માટે નહોતો થયો. જંગલની પ્રાણીસૃષ્ટિમાં ક્યાંય કામ (work) નથી, કેવળ ક્રીડા (play) છે. ક્રીડા આનંદની આંગળિયાત છે, વૈતરું આનંદવિરોધી અને જીવનવિરોધી ઘટના છે. વૈતરું કરનાર લોકસેવક વાહવાહ પામે છે, આનંદ નથી પામતો. માનવજાત એવી રીતે જીવી રહી છે, જાણે એણે દુઃખી થવાનો સંકલ્પ ન કર્યો હોય!
ક્રૂર બનવામાં સૌથી વધારે તકલીફ માતાને પડે છે. પોતાનાં સંતાન સાથે લુચ્ચાઇ કરવા માટે માતા લગભગ અસમર્થ હોય છે. માતા માટે નાસ્તિક બનવાનું પણ થોડું મુશ્કેલ હોય છે. અન્યની પીડા જોઇને માતાના મુખમાંથી જે અરેરાટી નીકળી જાય છે તે અરેરાટી માનવતાની મોંઘી જણસ છે. માનવજાત પાસે કરુણાનો અને અહિંસાનો જે જથ્થો બચ્યો છે તેનો અપ્રદૂષિત ઉદગાર અરેરાટી દ્વારા પ્રાપ્ત થાય છે. એ ઉદગાર અત્યંત મૂલ્યવાન છે. અન્ય દુઃખ જ્યારે પોતાનું બની જાય ત્યારે અનાયાસ જે ચીસ નીકળી પડે તે જાળવી રાખવા જેવી ઘટના છે.
હુલ્લડ વખતે, યુદ્ધ વખતે કે માનવીય પીડા જોઇને અરેરાટીને કારણે જે ઉદગાર નીકળી પડે એ ઉદગાર વેદમંત્ર કરતાં જરાય ઓછો પવિત્ર નથી. સમગ્ર માનવતા એ ઉદગાર પર ટકેલી છે.
શિકારીને હરણની આખરી મરણચીસ સંભળાય છે. અરેરાટી ગુમાવી બેઠેલા શિકારીને ચીસ પજવતી નથી. અરેરાટી ગુમાવી બેઠો ન હોય એવો કોઇ માણસ ખલનાયક ન થઇ શકે. ખલનાયક બની રહેવા માટે ભારે હઠપૂર્વક પોતાની અરેરાટીને ફંગોળી દેવી પડે છે. ક્યારેક જીવનની આખરી ક્ષણે ગમે તેવા ક્રૂર ખલનાયકને સત્ય સમજાય છે. જીવનની ખરી ટ્રેજેડી એ જ કે આપણે સાવ સાચી વાત મોડી સમજાય. આપણી અંદર બેઠેલો દુર્યોધન છેક છેવટ સુધી કૃષ્ણને સમજવા તૈયાર નથી. ગુર્જીએફનું એક વિધાન અરેરાટીની કેમિસ્ટ્રી સમજવામાં ખપ લાગે તેવું છેઃ 'Everything is alive, everything is interconnected.' આ સૃષ્ટિમાં બધું જીવંત છે અને પરસ્પર જોડાયેલું છે. ફ્રિટજૉફ કાપ્રા આવી પરમ એકતા માટે 'ક્વૉન્ટમ ઇન્ટરકનેક્ટેડનેસ' શબ્દો પ્રયોજે છે. અન્યની પીડા જોઇનેકે જાણીને માણસના દિલમાં જે અરેરાટી થાય તેનો આધાર મૂળભૂત એકતા છે. કરુણા અને અહિંસાની આધારશિલા પણ આવી એકતા જ હોઇ શકે.
વેદ કહે છેઃ બધાં હૃદયો પરસ્પર જોડાયેલાં છે. બધાં હૃદયોની ઝંખના સમાન છે. કંઇક આવા અર્થમાં અન્યની પીડા જોઇને માણસના દિલમાંથી નીકળી પડતી અરેરાટી અત્યંત મૂલ્યવાન છે એમ કહી શકાય. પાઘડીનો વળ છેડે
મારા બાગમાં એક ગોકળગાય ધીમી ગતિએ સરકતી રહે છે. એની ઝડપ એક કલાકના કેટલા સેન્ટિમીટર હશે? એના પર પગ ન પડી જાય એની કાળજી રાખવામાં જીવનનું અભિવાદન છે. હું જ્યારે ગોકળ ગાયના જીવનનું અભિવાદન કરું ત્યારે મારા જીવનનું અભિવાદન પણ થતું રહે છે.
જીવન કરતાં વધારે મૂલ્યવાન એવી,
કોઇ ચીજ માણસને હજી જડી નથી.
ભગવાન પણ જીવન પછી બીજા ક્રમે
આવે છે. }
અસ્તિત્વની અટારીએથી:...વાદળ જાણે ને વસુંધરા…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vasundhara-knows-how-beautiful-the-clouds-are-135324538.html

ભાગ્યેશ જહા બ હુ સરસ દિવસો આરંભાયા છે. જેને સાવ પહેલો ના કહી શકાય એવા વરસાદમાં વૃક્ષો જે રીતે નાહ્યાં છે, (નાચ્યાં છે, એવું લખવું હતું પણ એને હમણાં મનની દાબડીમાં સંતાડી રાખું છું), આ દૃશ્ય મનમાં એક પ્રકારની ભીનાશ અને થોડી માટીની ગંધ ઉમેરે છે.
આ દિવસો કાલિદાસને યાદ કરવાના દિવસો છે, આ દિવસો ધોધમાર વરસાદમાં નહાવાના દિવસો છે, પણ વરસાદ હજી જોઈએ એવો જામ્યો નથી, પણ કાwલિદાસ તો ઘરનાં આંગણામાં આવીને ઊભા છે. એક રીતે જોઇએ તો સાહિત્ય એ સમાજમાં વહેતી ભીનાશનો એક સરસ અને બોલકો પ્રવાહ છે. સામાજિક ચૈતન્યના સૂક્ષ્મ પ્રવાહને શબ્દ વહેવડાવીને લઇ જવાનું કામ સાહિત્યકાર કરે છે, એ ધન્યતા અનુભવવા માટે ઉશનસ્ અને મકરંદ દવેના ફળિયામાં જવું છે. આ બંને કવિઓની પંક્તિઓ સજીવન થઇ રહી છે.
ઉશનસની પંક્તિઓ જ કેવી ખુલાશ પીરસે છે,
‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,
આપણા નામની અલગ છાપ ના પાડીએ જી…
કેવો સામૂહિકતાનો સ્વર કવિના હૃદયમાંથી ઝંકૃત થઈને ઊઠે છે! કોઈ વાડ નહીં બાંધવાની, બધાંનાં ભાણાં ભેગાં માંડવાનાં…
વાડ કરી આ ક્ષિતિજના વણસાડીએ જી…
સાહિત્ય એટલે વાડને ઓળંગીને નૈસર્ગિક શબ્દ સમાજના શબ્દને શણગારે. આ સત્ય અને સૌંદર્યનું સાયુજ્ય રચીએ એટલે શબ્દબ્રહ્મનો ભીનો ભણકાર પામી શકાય. અને અહીં છે પામવાની છે એ તો ઉશનસની ઉષ્મા પામવાની છે. એટલે તો ઉશનસના જ શબ્દો જાગી ઊઠે છે,
ઉનાળું કો કાચા ઘટ સમય હજી રંધ્ર શતથી,
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો…
સાહિત્યનું આ બહુ મોટું કામ છે, જ્યારે એક મનુષ્ય બીજા મનુષ્યને મળે છે ત્યારે એના સહઅસ્તિત્વને એ ઊજવે છે. ઉશનસની સમગ્ર કવિતાનું શીર્ષક જ છે, ‘અનહદની સરહદે’. જ્યારે સ્મિતની જગાએ મિસાઇલો ક્ષિતિજને ઢમઢોળતી હોય ત્યારે આવા કવિના શબ્દો પાસે બેસીને અનહદને પામવાની આ ઋતુ છે.
બીજી તરફ સાંઇ કવિ મકરંદનો ‘વ્હાલ ફોરતું’ શબ્દવાદળ ભેટે છે. એ તો ભગવાનને વ્હાલા કહીને કેવા અપરંપારના ગેબી અવાજને રસવંતું રસનું પૂમડું બનાવી આપે છે. શબ્દથી શાશ્વત ને કેવી રીતે પામવું એ મકરંદ દવેના શબ્દનો જાદુ છે. કેવું સામાન્ય પ્રતીક, કવિ કહે છેઃ
‘અમે રે ‘સૂકું રૂનું પૂમડું’, તમે અત્તર રંગીલા રસદાર,
તરબોળી દ્યોને તારેતારને, વીંધતો અમને વ્હાલા આરંપાર…
નંદીગ્રામની ધરતીનો અને કવિની આંતરિક ચેતનાના મંગલમિલનનો ચમત્કાર છે. આવી ચેતનાને કિનારે બેસીને ક્યારેક પ્રકૃતિની ગોદમાં બેસીએ, થોડી ક્ષણોને રોપીએ ત્યારે ખબર પડે કે અસ્તિત્વ કેવા કેવા રૂપે આપણને પહોંચે છે, પોંખે છે. કવિ અસ્તિત્વના ઉત્સવને ઓળખાવનાર ભોમિયો હોય છે. એટલે કવિ છાપરે પોકારી નાખે છે,
‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ..’
મારી નાની સમજને તો એક વાતની ખાતરી થઇ ગઇ છે, ‘જે વેચે છે, એ નાણે છે,જે વહેંચે છે, એ માણે છે.’ સાહિત્ય એ માણસને માણવાની જાગૃતિ આપે છે, અને એ જાગૃતિ જ્યારે માણસનો સ્થાયી ભાવ બને છે, ત્યારે માણસ પોતાની ઓળખમાં આધ્યાત્મિકતા ભેળવે છે.
આ રોમેરોમને તરબતર કરી દેવાની ઋતુ છે. એટલે કવિ મકરંદ દવે આપણને ફૂલની મસ્તીના પ્રદેશમાં જાગવાનું કહે છે.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી,
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે...
મકરંદ દવેની આ પંક્તિઓની આંગળી પકડીને ક્યારેય એક દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં ફરવા જેવું છે. કવિનું હોવું એટલે એક મસ્તીનું સરનામું હોવું. તેનો શબ્દ બારાખડીની બહાર જઈને શબદ બની જાય છે. એટલે કહે છે કે
‘કોઈ શબદ આવે આ રમતો રે
કોઈ શબ્દ આવે મનગમતો
મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે,
કોઈ શબ્દ આવે આ રમતો.
કવિ એક આશ્રમમાં પલાંઠીવાળીને બેઠા હોય અને અસ્તિત્વ જે રીતે એની આસપાસ એવું વાતાવરણ સરજી આપે છે, જ્યાં કવિને મહામૌનના શિખરનો પરિચય થાય અને શબ્દમાંથી શબદ થતી ચેતનાની વાણીનો સંસ્પર્શ થાય. આ અસાધારણ ઘટનાઓના સાક્ષી એવા મકરંદભાઈનું સ્મરણ કરવા માટે કશુંક ઘુંટાયેલું જીવનઓસડ પામવાની આ ઋતુ છે.
કવિને એટલી બધી પ્રતીતિ છે, ગેબીના ગહન અવાજની ગહેરાઈ અને સમત્વની સમજણ અદભુત રીતે વહ્યા કરે છે એમની વાણીમાં… એ તો કહી દે છેઃ ‘
ખેલ બધા છે ખાલી તેમાં, શું ખોવું? શું જડવું ? શું હસવું? શું રડવું?’
આ અસાધારણ કવિતાનો આસવ પીવા એમની ગીતભૂમિના ગોંદરે આવ્યા છીએ. લીલાંછમ ખેતરો ગાઇ રહ્યાં છે, સદ્યસ્નાતવૃક્ષો જાણે કોઇ મહાકાવ્યની અગણિત પંક્તિઓ હોય એમ લહેરાઇ રહ્યાં છે. નદીઓ છલકાય છે ત્યારે અજાણ્યે જ પનિહારીઓનાં ગીત ગુંજી ઊઠે છે, આદિવાસીઓની સામૂહિકતા અને ભોળા હાસ્યના ગામેગામ મેળા ઉભરાયા છે ત્યારે પંક્તિ યાદ આવે છેઃ
‘વેર્યા મેં બીજ અહીં
છુટ્ટે હાથે તે
હવે વાદળ જાણે ને વસુંધરા…’ }
દેશ-વિદેશ:આગામી વર્ષે બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીઓ થઇ શકશે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/will-general-elections-be-held-in-bangladesh-next-year-135324540.html

ડૉ. જય નારાયણ વ્યાસ ભારતના શાખ પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવો થયો અને લગભગ અગિયાર મહિના પહેલાં શેખ હસીનાને વડાપ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યાં. એટલે વચગાળાની સરકારના સલાહકાર તરીકે નૉબેલ પારિતોષિક વિજેતા મહંમદ યુનુસને સત્તાનું સુકાન સોંપાયું. ત્યારથી જ એવું ચર્ચાતું આવ્યું છે કે તેઓ બાંગલાદેશમાં અમેરિકાની કઠપૂતળી તરીકે બેઠા છે. કદાચ એને કારણે સત્તા સંભાળી તે દિવસથી યુનુસ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય સત્તાની સાઠમારીમાં ભીંસાતા આવ્યા છે.
એકબાજુ વિદેશી મહાસત્તાઓનું દબાણ, એમાંય ખાસ કરીને અમેરિકા અને ચીનની ખેંચતાણ અને બીજી બાજુ સ્થાનિક રાજકીય વમળોને કારણે સર્જાતી પરિસ્થિતિમાં મહંમદ યુનુસ માત્ર કાંટાળો તાજ પહેરીને બેઠા છે એમ કહેવું પર્યાપ્ત નથી, એમના સત્તાના સિંહાસનમાં પણ ધારદાર ખીલીઓ જડેલી છે. આ બધાં વચ્ચે સત્તા સંભાળવાનું એક વર્ષ યુનુસ પૂરું કરશે.
યુનુસ પાસે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે દૃષ્ટિનો અભાવ છે એવું નથી. શરૂઆતથી જ બાંગલાદેશના વિકાસ અને વિકસતા વિશ્વ સાથે કદમ મિલાવવા વહીવટી સુધારાઓ અંગેની વાત હોય, ન્યાયતંત્ર કે પછી ચૂંટણીઓની, એમણે આ ત્રણેય મુદ્દાઓને પ્રગતિ માટે જરૂરી જણાવી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.
84 વર્ષીય યુનુસે પ્રવર્તમાન વાવાઝોડા વચ્ચે ફિરકા શોધવાના પ્રયત્નો અને એની સાથે સંકળાયેલા ઘણાબધા વિરોધાભાસો વચ્ચે તેમનો કોઈ રાજકીય આધાર નથી.
આ પરિસ્થિતિમાં બાંગલાદેશના ભાવિને આકાર આપવા માટેની એમની સંનિષ્ઠ ઇચ્છાશક્તિ ઉપર આપણે શંકા ન કરીએ તો પણ એ ઇચ્છાશક્તિને તળજમીન ઉપર કોઈ આધાર નથી, તેનો સ્વીકાર તો કરવો જ પડે.
બાંગલાદેશમાં સહકારી ક્ષેત્રના માધ્યમ થકી ગ્રામીણ બૅન્કની માંડી પૉસ્ટઑફિસ અને ટેલિફોન સેવાઓ સુધીના ક્ષેત્રે એમણે જે કાંઈ પ્રયોગો કર્યા તેનો ચોક્કસ ફાયદો ગરીબ અને વંચિત વર્ગને થયો છે. આ કારણથી જ તેઓને ‘વંચિતોના વાણોતર’ તરીકે નવાજવામાં આવે છે.
જોકે એમની આ કામગીરી રાજકીય ખટપટો વચ્ચે શતરંજના એક માહીર ખેલાડી તરીકે તેમને પ્રસ્થાપિત કરી શકે નહીં અને એ જ મર્યાદાઓ એમને નડી રહી છે.
બાંગલાદેશની કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ આર્થિક બેહાલીને કારણે તેમના નેતૃત્વ સામે મોટા પડકારો ઊભા થયા છે અને એ પડકારોમાંથી બહાર નીકળી બાંગલાદેશને સ્થિર શાસન પ્રાપ્ત થાય તે પ્રકારની કામગીરી કરવી એમના માટે અશક્ય નહીં તો અતિ કપરી તો છે જ.
અમેરિકામાં ક્લિન્ટન પરિવાર સાથેનો ઘરોબો અને આટલાં વર્ષો નૉબેલ પારિતોષિક વિજેતા તરીકે તેમણે ત્યાં ગાળ્યા છે. એનો ચોક્કસ ફાયદો એમને આ પદ સુધી પહોંચવામાં થયો છે પણ એ ફાયદો અંતે જતાં નુકસાનનો સોદો તો નહીં બનેને? એવી શંકાઓ હવે વ્યક્ત થવા માંડી છે.
અત્યારના બાંગલાદેશે, વિદ્યાર્થી નેતાઓ, જમાતે ઇસ્લામી અને એક સમયના ડાબેરી તેમજ જમણેરી અંતિમવાદી વિચાસરણી ધરાવનારાઓ તેમજ અમેરિકાની વગ, આ બધાં વચ્ચે એક દેશ તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રહ્યું છે અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી, અવામી લીગ, મિલિટરી જેવાં વિભિન્ન જૂથો એકબીજાની સાથે અને વખત આવે સામે પડીને પોતાનો એજન્ડા અમલમાં મૂકી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં યુનુસને જે પરિબળોએ અત્યાર સુધી ટેકો આપ્યો છે, તેમાંથી જ વિરોધના સૂર ઊઠ્યા છે. વિદ્યાર્થી નેતાઓ નેશનલ સિટિઝન પાર્ટીની સ્થાપના કરી બાંગ્લાદેશના રાજકારણમાં ઘોડેસવારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકોના કારણે યુનુસ પર એક આક્ષેપ એવો પણ લાગે છે કે તે વિદ્યાર્થી નેતાઓના આ જૂથને મદદ કરવાના હેતુથી જ બાંગલાદેશની ચૂંટણીઓમાં વિલંબ કરી રહ્યા છે.
બીજી બાજુ યુનુસના મિલિટરી, ખાસ કરીને સૈન્યના વડા જનરલ વકર-ઉઝ-ઝમાન સાથેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર ઘસારો દેખાયો છે. આમ, મિલિટરી, BNP અને અવામી લીગ (જો એને ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં આવે તો) બધાને સમયસર ચૂંટણીઓ યોજાય એમાં રસ છે. ભારત પણ બાંગલાદેશમાં ચૂંટણીઓ વહેલી થાય તે મતનું છે.
આ બધાં ઘમ્મરવલોણાંમાં કોઈની પણ સાથે નજીકની ઓળખ બનાવવાને બદલે યુનુસે બધાથી સલામત અંતરે રહેવાની નીતિ અપનાવી છે. આ નીતિ કેટલી ડહાપણભરી છે તે તો સમય જ કહેશે.
જોકે, મહંમદ યુનુસને કશી જ સમજણ નથી પડતી એવું માનવાને પણ કારણ નથી. એ એક તેજસ્વી અને બુદ્ધિશાળી માણસ છે અને કોઈ પણ સંસ્થાને કઈ રીતે ચલાવવી એની ઊંડી સમજ છે. બાંગલાદેશમાં એમણે ગ્રામીણ બૅન્ક જેવી મોટી સંસ્થા ઊભી કરી અને ચલાવી એ જ એનો મોટો પુરાવો છે.
બાંગ્લાદેશના રાજકારણમાંથી હસીના અને ખાલીદા ઝિયાની બાદબાકી થઈ જાય એવો નિષ્ફળ પ્રયત્ન 2008ના જનરલ ઇલેક્શનમાં કરાયેલો. અમેરિકાએ યુનુસને સિવિક સોસાયટી તેમજ રાજનૈયિક ચેનલ થકી ટેકો આપ્યો પણ એ સમયે રાજકીય પ્રવાહો કાદવમિશ્રિત હતા અને ગાળો ઘણો ટૂંકો હતો એટલે 2008માં યુનુસે કેરટેકર ગવર્ન્મેન્ટનું નેતૃત્વ કરવાની તૈયારી નહોતી બતાવી.
એની જગ્યાએ ડૉ. ફખરુદીન અહેમદ બાંગ્લાદેશની સેન્ટ્રલ બૅન્કના પૂર્વ ગવર્નરને આ જવાબદારી સોંપાઈ. તેનાં પરિણામો બધાં જ માટે અણધાર્યાં આવ્યાં.
અવામી લીગ બાંગ્લાદેશની ચૂંટણીઓ જંગી બહુમતી સાથે જીતી ગયું અને એણે લાગલગાટ પંદર વર્ષ સુધી સત્તાનાં સૂત્રો સંભાળ્યા. હસીના અને ખાલિદા ઝિયા તો ન જ જોઈએ એ માન્યતાને ટેકો આપનાર ‘માઇનસ-2’ થિયરીના આર્કિટેક હજુ પણ કાર્યરત છે અને મહમંદ યુનુસની વચગાળાની સરકારને ટેકો આપી રહ્યા છે. આને કારણે બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થયો છે.
મિલિટરી અથવા વિદ્યાર્થી નેતાઓ બેમાંથી એકેય યુનુસને પૂરેપૂરા વિશ્વાસપાત્ર ગણતા નથી. એ સિવાય મહંમદ યુનુસે જે વહીવટીતંત્ર સાથે કામ કરવાનું છે તે એનું એ જ છે, જેના પર આક્ષેપ છે કે શેખ હસીનાએ ચૂંટણીઓમાં ગે૨રીતિઓ કરવા માટે તેમજ વિરોધીઓને કચડી નાખવા માટે તેને ઊભું કર્યું હતું. આ તંત્રને પાછું વિશ્વસનીય બનાવવા અને નિષ્પક્ષ રીતે કામ કરે તે માટેના સુધારા-વધારા કરવામાં તો વર્ષો લાગશે.
બાંગ્લાદેશમાં સરકારી તંત્રનો જે ઢાંચો શીખ હસીનાએ પાછળ મૂક્યો છે, તેની પાસેથી કોઈ પણ પ્રકારનું કામ અસરકારક અને નિષ્પક્ષ રીતે લેવું તે લોઢાના ચણા ચાવવા જેવું છે. યુનુસ કોઈ ચમત્કાર કરી બતાવે એવી અપેક્ષા રાખવી માત્ર ગેરવ્યાજબી જ નહીં પણ લગભગ પાણી વલોવીને માખણ કાઢવા જેવી અતાર્કિક છે.
અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે, બાંગ્લાદેશમાં એપ્રિલ, 2026માં સામાન્ય ચૂંટણીઓ થશે એવી યુનુસની વાતમાં ઘણી શંકા-આશંકાઓ વ્યક્ત કરવામાં આવે છે અને કેટલાક તો આ આખીય રમત નેશનલ સિટિઝન પાર્ટીને મદદ કરવા માટે યુનુસ રમી રહ્યા છે એવો આક્ષેપ પણ કરે છે.
એકબાજુ અવામી લીગ ઉપર પ્રતિબંધ છે અને એ દેશનિકાલની સ્થિતિમાં જીવે છે, ત્યારે BNPનો દાવો છે કે એ બાંગ્લાદેશની લોકશાહી ચળવળમાં ભરોસો રાખતા મોટા ભાગનાનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ સિટિઝન પાર્ટીને ચૂંટણીઓ મોડી થાય તે ગમશે કારણ કે, એની રચના હજુ હમણાં ફેબ્રુઆરી, 2025માં થઈ છે. NCP પાસે હજુ રજિસ્ટ્રેશન પણ નથી અને સ્વાભાવિક રીતે આ કારણસર તળ-જમીન કક્ષાએ નેશનલ સિટિઝન પાર્ટી પાસે માળખું કે કાર્યકરોની સંરચના થકી ઊભું થયેલ તંત્ર પણ નથી. આમ, બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ શકશે એ બાબતમાં હજુ કોઈ નિશ્ચિત અનુમાન થઈ શકે એવું નથી અને ત્યાં સુધી મહંમદ યુનુસની અગ્નિપરીક્ષા ચાલુ રહેશે.
સ્વરૂપ Says:નામનું ચક્ર ગ્રીકની જેમ ફરે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-wheel-of-the-name-spins-like-a-greek-135324548.html

સ્વરૂપ સંપટ મારી ભત્રીજી સાથે હું ખરીદી કરવા ગઇ અને મેં તેને શું ખાવું છે, તે પૂછ્યું તો એણે જવાબ આપ્યો, ‘ફોઇ!’
મને નવાઇ લાગી, ‘હેં…?’
‘ફોઇ…’ એણે આંખો પટપટાવતાં ફરી કહ્યું. ‘મને નથી ખબર, કદાચ ચાઇનીઝ કે પિત્ઝા, પણ મને ચાઇનીઝ વધારે પસંદ નથી, કેમ કે તેનાથી વજન વધે છે અને ચાઇનીઝમાં ચોખા વધારે હોય છે. મને નથી ખબર, હું મેક્સિકન કે એવું કંઇક ખાઇશ.’
હું તો દંગ જ થઇ ગઇ, મોમો અને મીસો વચ્ચે. મને નવાઇ લાગી કે કઇ રીતે આ લોકો (પેઢી) આટલી બધી વાતોને સાવ ટૂંકાણમાં કહી જે છે અને છતાં તેઓ કોઇ તારણ પર તો આવતાં જ નથી. હા, જેન ઝેડ… ભલે ને શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું રાખ્યું છે? આ પેઢીઓના આડેધડ નામ કોણ રાખે છે?
પેઢીઓના ચિત્રવિચિત્ર નામકરણ
આપણે પ્રારંભથી જ અથવા લગભગ તેની આસપાસથી શરૂ કરીએ. બેબી બૂમર્સ (જેઓ લગભગ 1946થી 1964ની વચ્ચે જન્મ્યા હોય). સૌપ્રથમ આવે જનરેશન એક્સ (1965-1980). તેમના માટે ‘એક્સ’ કેમ? એ પેઢી અસ્પષ્ટ, થોડી નિરાશાજનક, ખાસ કરીને ‘પંક રોક’ હેરસ્ટાઇલ, ‘એમટીવી’ અને બ્રાન્ડેડ કુર્તા પહેરેલી જોવા મળતી… થોડી ચિંતનપ્રિય, જરા નિરાશાજનક એવી ભારતની આ પેઢી જે તેમના સરકારી નોકરી કરતાં માતા-પિતાથી અલગ દેખાવા માગતી હતી.
પરંપરા અને આધુનિકતા વચ્ચે, ભારત અને ઇન્ડિયા વચ્ચે વહેંચાયેલી આ પેઢી. તેઓ થોડો વિરોધ કરતા. ડાયરીમાં કવિતાઓ લખતાં, કદાચ એક્ટિંગ માટે પણ પ્રયત્ન કર્યો હોય અથવા ‘પોતાની જાતને શોધવા’ ટ્રેનમાં લાંબી મુસાફરી કરી હોય… પણ ‘બૂમર્સ’ની જેમ મોટેથી વિરોધ કરવાને બદલે ‘જેન એક્સ’ ઘણીવાર ઘોંઘાટિયું-ધમાલિયું સંગીત ( ગ્રંજ મ્યુઝિક) વગાડતાં, કટાક્ષો કરતાં અને ખભા ઉલાળીને વાત કરતાં.
એ પછી ‘મિલેનિયલ્સ’ આવ્યા (1981-1996). એ લોકો નવી સદીની આસપાસ જન્મ્યા હોવાને કારણે તેમને ‘મિલેનિયલ્સ’ કહેવામાં આવતા, ઘણા જેન વાય તરીકે પણ ઓળખતા. મિલેનિયલ્સ એવા લોકો હતા, જેમણે ઇન્ટરનેટનો આરંભ જોયો હતો અને ટેક્ તથા થેરપી બંને માટે ગિનિ પિગ જેવા હતા.
એ પછીનો જમાનો આવ્યો ‘ટિકટોક’ ડાન્સ ટ્રેડનો જેને આપણે આવતાં જોયો જ નહોતો : ‘જેન ઝેડ’ (1997-2012). ‘ટેક-નેટિવ’ (ટેક્નોલોજી શીખનાર - તેઓ એ વખતે જન્મ્યાં હતાં). સામાજિક રીતે જાગૃત સામાજિક મુદ્દાઓ, ક્લાયમેટ ચેન્જ, ફેમિનિઝમ, એલજીબીટીક્યૂ+ અધિકારો, જાતિભેદ વગેરે મુદ્દાઓ પર અત્યંત સજાગ), ફોનકોલ્સ પ્રતિ અણગમો (તેના બદલે મેસેજીસ, ઇમોજીસ અથવા વોઇસ ચેટ્સ ચાલે પણ ખરેખર વાતચીત નહીં કરવાની) અને જૂની પેઢીની માફક આઇસ્ડ કોફી કે ગરમ ચા બનાવવાની. તેઓ પોતાના પ્રત્યે સ્પષ્ટ છે કે અમે કઇ રીતે કામ કરીએ છીએ, ખાઇએ છીએ, બોલીએ છીએ અને ડેટ પણ કરીએ છીએ!
હવે જાણીએ ‘જેન આલ્ફા’ને (2013 પછી જન્મેલાં). પ્રાઇમરી સ્કૂલમાં માંડ એડમિશન મેળવ્યું હોય, પોતાના લેંઘાની નાડી બાંધતા ભલે ન આવડતી હોય, તે પહેલાં ‘આઇપેડ’નો ઉપયોગ કઇ રીતે કરવો તેમાં નિષ્ણાત હોય!
નામનું ચક્ર આખું ગ્રીકની જેમ ફરે છે. આ નામમાત્ર લેબલ જ છે. તે એક આખી સંસ્કૃતિનું ટૂંકમાં વર્ણન છે: કઇ રીતે લોકો વાતચીત કરે છે, તેમને શેની કિંમત હોય છે, કઇ રીતે તેઓ મીડિયાને અપનાવે છે અને તેમને કઇ બાબતનો સ્ટ્રેસ રહે છે. દરેક પેઢી વિચારે છે કે તેમના પછીની પેઢી કાં તો ખૂબ આળસુ હશે અથવા ખૂબ હોશિયાર હશે, સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરતી હશે અથવા વાસ્તવિક જીવનમાં સાવ મૌન રહેનારા હશે. જોકે ભાષા અને નામ - પણ આપણને જણાવે છે કે એ પેઢી પોતાના માટે શું વિચારે છે.
જેન ઝેડની જ વાત કરીએ. તેમણે આપણને ‘બ્રો’, ‘જક્કાસ’ જેવા શબ્દો આપ્યા, પણ તેમાં આંખો પહોળી કરીને કરેલો વ્યંગ્ય છે. તેઓ ના કહેવાને બદલે એમ કહેશે કે ‘સીન નહીં હૈ’ અથવા જો તમે તેમને થોડી પણ ઉતાવળ કરવાનું કહો, તો તરત સાંભળવા મળશે, ‘ચિલ કરો યાર, ઇતની ભી ક્યા અરજન્સી હૈ?’
ગયા અઠવાડિયે મારી બહેનપણીના દીકરાને મેં એક ગીત મોકલવાનું કહ્યું, તો એનો જવાબ હતો, ‘બેટ.’
મેં પૂછ્યું, ‘બેટ શું?’ એ ફરીથી બોલ્યો, ‘કંઇ નહીં… બેટ…’
પછીથી મને જાણવા મળ્યું કે હવે ‘બેટ’ એટલે ‘ઓકે…’. એક સાવ સાદો શબ્દ, એનો કેટલો વિશાળ અર્થ! આ જનરેશનલ નામો અને શબ્દો જે તેમની ઓળખ છે.
‘બૂમર્સ’ (1946-1964) : પ્રગતિ અને સફળતામાં માનતા. તેઓ નોકરીઓ, વિકાસ પરિવાર વિશે આશાવાદી હતા.
‘જેન એક્સ’ (1965-80) : ભ્રષ્ટાચાર, ડિવોર્સ, જોબનો સ્ટ્રેસ અને કોઇ પણ સિસ્ટમમાં વિશ્વાસ ન મૂકવા જેવી સમસ્યાઓ જોતાં મોટાં થયાં. ‘મિલેનિયલ્સ’ (1981-96): તેમણે સફળ થવા માટે અથાગ પરિશ્રમ કર્યો, પણ જોબ ક્રાઇસિસ, વધારે પડતાં દબાણનો સામનો કરવો પડ્યો. તેઓ સતત થાકેલા અને બર્નઆઉટ મોડમાં રહેતાં.
જેન ઝેડ (1997-2012) : તેઓ કહેતા, ‘નિયમોનું આંધળું અનુકરણ શા માટે?’ તેઓ દરેક બાબત અંગે પ્રશ્ન કરતા, પોતાની ઓળખ માટે લડતા. ‘જેન ઝેડ’ જાતિ અને નાતિનાં રૂઢિચુસ્ત બંધનોને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલું જ નહીં, તેમણે તેને મિટાવી જ દીધાં. તેઓ કોઇ પણ ચોકઠામાં ભરાઇને રહેવા ઇચ્છતા નહોતા. કદાચ એટલા માટે જ તેમની અભિવ્યક્તિ અત્યંત સ્પષ્ટ, મુક્ત અને થોડીઘણી અસ્પષ્ટ ખીજભરી હતી.
જૂની પેઢીએ નવી પેઢીની નવીન બાબતો, સાંકેતિક ભાષાને વિચિત્રતાની દૃષ્ટિએ ન જોવી જોઇએ. ‘જેન ઝેડ’ માટે જૂની પેઢીએ જજમેન્ટલ ન બનવું. જેન ઝેડ’ માટે જૂની પેઢીએ જજમેન્ટલ ન બનવું. તેમણે નવી પેઢીને સાંભળવી જોઇએ. તેમની પાસેથી શીખવું અને તેમની સાથે મ‌ળીને હસવું. ક્યારેક માત્ર ‘ફોઇ!’ કહીને મોજ કરવી. ‘જેન આલ્ફા’ સિવાય કોઇનેય ચોકઠામાં ભરાઇ રહેવું ગમતું નથી, તે સ્ક્રીન, વાઇ-ફાઇ અને ‘સ્વિગી’ના નાસ્તા સાથે આવે છે.
લક્ષ્યવેધ:‘જે આવડે એ લખતો, જે પૂછ્યું છે એ નહી’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/i-write-what-i-can-not-what-im-asked-to-write-135324551.html

`મારી નોકરી સુરત હતી. મારું ઘર વડોદરા છે. હું કેટલાક મિત્રો સાથે રહેતો હતો પણ રજાઓમાં બધા ઘરે ગયા હતા. એટલે હું એકલો હતો. પરીક્ષા માટે માંડ મહિનાનો સમય બચ્યો હતો. મને થોડું તાવ જેવું હતું. જમ્યો પણ નહોતો. અશક્તિ હતી. થોડું પાણી પીધું. આડો પડ્યો ને પછી ઊભો થઈને વૉશરૂમ તરફ ગયો. એકાએક મને ચક્કર આવ્યા અને હું પડી ગયો. મને માથા પર કંઇક વાગ્યું, કદાચ ટેબલની ધાર. હું બે-ત્રણ મિનિટ સુધી બેભાન અવસ્થામાં જ પડી રહ્યો. ભાનમાં આવ્યો તો જોયું કે ફ્લોર આખો લોહી લોહી છે. કપડાં પર પણ લોહી ચોંટ્યું છે. પાણી વડે માથું સાફ કર્યું ત્યારે ખબર પડી કે સારું એવું વાગ્યું છે. મિત્રને બોલાવ્યો અને સીધા સારવાર માટે ગયા.
એ ક્ષણે એ જ વિચાર આવ્યો કે જીવન કેટલી બધી અનિશ્ચિતતાઓથી ભરેલું છે. સિવિલ સેવા પરીક્ષા તો જીવનની કેટલીય પરીક્ષાઓમાંની એક પરીક્ષા છે. જીવન જ સૌથી મોટી પરીક્ષા છે.' ભાર્ગવ મકવાણા પોતાના જીવનમાં સમજ પાથરનારા અનુભવને યાદ કરી રહ્યા છે.
દેશ જ્યારે આઝાદીના પચાસ વર્ષ ઊજવી રહ્યો હતો ત્યારે 15 ઑગસ્ટ, 1997ના દિવસે ભાર્ગવ મકવાણાનો જન્મ વડોદરામાં થયો. મમ્મી-પપ્પા મૂળ અમદાવાદથી. રેલવેમાં ફરજ બજાવતા પિતા ઉજ્જૈનમાં નોકરી કરતા.
શિશુકાળ ઉજ્જૈનનો અને પછી તમામ શિક્ષણ વડોદરામાં જ. ગ્રેજ્યુએશન માટે ગાંધીનગરની ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીમાં ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો. કોડિંગ કરવાની તમન્ના હતી પણ કોલેજના બીજા વર્ષમાં ખ્યાલ આવ્યો કે જેવું ધાર્યું હતું એવું છે નહીં. વિચારમાં કદાચ કોઈ 'બગ' ઘૂસી ગયો હશે.
એ ગાળામાં કોલેજના કેટલાક સિનિયર સિવિલ સર્વિસની તૈયારી કરતા હતા. સ્ક્રીન સામે બેસી રહેવું કાંટાળાજનક લાગતું. મધ્યમ વર્ગીય પરિવારોમાં સિવિલ સેવા વિશે સામાન્ય રીતે થોડી જાણકારી કે પ્રભાવ હોય છે. આમ સિવિલ સેવા તરફ આકર્ષણ વધ્યું, પરંતુ આઇ. ટી. ક્ષેત્રનું આકર્ષણ પણ તીવ્ર હતું. કેમ્પસ પ્લેસમેન્ટમાં મોટી મોટી કંપનીઓ આવતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો આખો યુગ ખૂલી રહ્યો હતો. સાથે ભણતા મિત્રો મોટા પૅકેજ સાથે નોકરીઓ મેળવી રહ્યા હતા.
આવા સમયે પ્લેસમેન્ટથી પોતાની જાતને દૂર રાખીને સિવિલ સર્વિસ પરીક્ષા માટે મન મક્કમ રાખવું એ એક યુવા વિદ્યાર્થી માટે પડકારજનક જ નિર્ણય હોય. આ નિર્ણયમાં પરિવાર સાથે રહ્યો એ મોટી થાપણ.
મમ્મીની તબિયત થોડી નરમ રહેતી અને એ જ સમયમાં કોરોના લોકડાઉન પણ લાગી ગયું. વડોદરા ઘરે બેસીને જ તૈયારી ચાલુ કરી. ઈન્ટરનેટ હાથમાં હોય એટલે દુનિયાભરની વાંચન સામગ્રી આંગળીના ટેરવે રમતી હોય. આ જ ગાળામાં જી. પી. એસ. સી.ની તૈયારી કરી અને એ પહેલા જ પ્રયાસમાં તેઓ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ બની ગયા. નોકરી સાથે યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષાની તૈયારી ચાલુ રાખી.
પહેલા પ્રયાસમાં તૈયારી કરીને પેપર આપ્યું પણ પહેલીવારમાં જાણે કોઈ લૅન્ડમાઇન પર પગ મૂકતા હોઈએ એમ ઓએમઆર શીટના કુંડાળા ભરાતા જાય. કોઈ પણ જગ્યાએ ખોટું કુંડાળું માઇનસ માર્ક્સ તરફ લઇ જાય. પરીક્ષાખંડમાં આત્મવિશ્વાસ ડગે. આખા વર્ષના આયોજન અને ગણિત ખોટાં પડતાં જાય. ભાર્ગવ મકવાણા સાથે પણ એમ જ બન્યું ને પહેલો પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યો.
લગભગ 80-90 મોક ટેસ્ટ આપીને પ્રીલિમિનરીમાં તો મહારથ મેળવી લીધી પરંતુ મેન્સ માટે મહેનત નહોતી કરી. જનરલ સ્ટડીઝ અને એથિક્સ જેવા વિષયો તેમજ વૈકલ્પિક વિષયોની થોડી તૈયારી પ્રીલિમિનરી પહેલાં કરી લેવી હિતાવહ છે. તેમનું લખાણ નબળું પડી રહ્યું હતું. તેઓ કહે છેઃ 'શરૂઆતમાં હું મને જે આવડે છે એ લખતો, જે પૂછ્યું છે એ નહી.' પોતાની મર્યાદાઓ ધ્યાનમાં આવી અને પછી તેમણે મૌલિક લખાણ લખવાની શરૂઆત કરી.
શરૂઆતનાં તેમનાં લખાણ અને નિબંધ યાંત્રિક હતાં. અલગ અલગ કવોટ્સ અને ડેટાનું પેચવર્ક હતું. પોતાના વિચારો ઉમેરતા જ એમનાં લખાણમાં એક સ્વાભાવિક પ્રવાહ આવી ગયો. લેખકો કે ચિંતકોના વિચારો એક આધાર છે જેના પરિપ્રેક્ષ્યમાં તમે આજના સમાજને જોઈ સમજી શકો. કોઈ પણ વિચાર કેટલો પ્રાસંગિક છે એ તપાસો એટલે સમાજ વ્યવસ્થાનો નાનકડો એક્સ-રે ઉમેદવારની આંખમાં છપાઈ જાય છે.
ભાર્ગવભાઇ ક્રિકેટના શોખીન. ક્રિકેટ ફેન તરીકે ઑસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝની જીતે પણ ઉમેદવાર તરીકે ઉત્સાહ આપેલો કે કેવી રીતે એક અન્ડરડૉગ ટીમ ધીરજથી આગળ વધીને જીતી શકે છે.
ચાર પ્રયાસોની નિષ્ફ્ળતા પછી પાંચમા પ્રયાસે પર્સનાલિટી ટેસ્ટના દરવાજા ખૂલે છે. ડીટેલ્ડ એપ્લિકેશન ફોર્મમાં આપેલી વિગતોના આધારે પ્રશ્નોત્તરી સંવાદ થાય છે. ગુજરાતમાં આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર તરીકે કાર્યરત હોવાથી ટેક્સને લગતા પ્રશ્નો પુછાશે એવું સ્વાભાવિક અનુમાન હતું જ. ‘ગિફ્ટ સિટી’ જેવી સિટી દેશના અન્ય રાજ્યોમાં બનવી જોઈએ કે
કેમ? પાડોશી દેશોની આર્થિક બાબતો ઉપરાંત ભાર્ગવભાઇ પોતે આઇ. ટી. એન્જિનિયર હતા એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાર્જ લેન્ગવેજ મૉડેલ જેવા સવાલો ઉપરાંત એ સમયે ચર્ચામાં રહેલા ચાઈનીઝ એ. આઈ. મોડેલ 'ડીપ સીક' વિશે સવાલો પુછાયા.
ભાર્ગવભાઈના લક્ષ્યવેધમાં તેમના પરિવારનો ફાળો મુખ્ય રહ્યો. એકલપંડે તૈયારી કરતા હોઈએ ત્યારે ઉમેદવાર સાથે તેના પરિવારે પણ ધીરજની કપરી કસોટીમાંથી પસાર થવું જ પડે છે. 2025માં ઓલ ઈન્ડિયા રેન્ક 803 સાથે ભાર્ગવ મકવાણા લક્ષ્યવેધ કરે છે. }
અમલપિયાલી:જે જડે છે તે હંમેશાં ખોવાયેલું હોય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-rooted-is-always-lost-135324556.html

વિનોદ જોશી જડી, જડી હું જડી
હરિને માઝમ રાતે જડી,
મંદિર ઉપર ધજા ચડે એમ
હુંય ઢોલિયે ચડી....
- રમેશ પારેખ
સાહિત્યના પંડિતોએ શૃંગારને રસરાજ કહ્યો છે. તત્ત્વને સમજનારાઓને શૃંગારમાં કદી સાત્વિકતાનો લોપ થતો નથી દેખાયો. તેમાં પવિત્રતા જ દેખાઈ છે. કવિ કાલિદાસ હોય કે નરસિંહ મહેતા હોય, ઉત્કટ શૃંગારને એમણે મન ભરીને ગાયો છે.
શૃંગારમાં થતું ભાવોનું ઊર્ધ્વીકરણ સાંસારિક ઘટમાળને વિસારે પાડી દેનારું હોય છે. પોતાની જાતને પણ ભુલવાડી દેનારું હોય છે. તેમાં નિમગ્ન હોય તે પંડથી પર થઈ જાય છે અને પરમ સાથે એનો તંતુ જોડાઈ જાય છે.
મીરાંની આ ચેતનાનો અનુભવ કરનાર આપણા આ કવિએ અહીં નારીની આવી તીવ્રતમ અનુભૂતિને શૃંગારની સર્વોત્તમ કક્ષાએ મૂકી આપી છે.
એ ત્રણ વાર `જડી’ શબ્દનું ઉચ્ચારણ કરે છે. આપણે સમજવાનું એ છે કે જડી તે પૂર્વે તો પોતે ખોવાઈ ગયેલી જ હતી. એનું કોઈ ઠામઠેકાણું નહોતું. કોઈ આધાર નહોતો. જરા વધુ વિચારીએ તો સમજાશે કે પોતે કોઈને જડી છે.
પોતે કોઈને શોધવા નીકળી નહોતી. કોઈએ એને શોધી કાઢી છે. આ વાત બહુ નિરાળી છે. પોતે કોઈને જડી ગયાનો ઉન્માદ `જડી’ શબ્દના ત્રણ વાર થતા ઉચ્ચારણમાં વ્યક્ત થયો છે.
જે જડે તે પોતાની જગ્યાએથી ખસી શકે તેમ ન હોય. અહીં `મળી’ એમ નથી કહ્યું તેમાં જ આ વાત સમજાઈ જાય છે કે સામેચાલીને પોતે ગઈ નથી. એ જડી આવી છે.
પણ પોતે જેને જડી આવી છે તે તો હરિ છે. જેની પોતે સદા કામના કરતી રહેતી તે જ આ હરિ હશે. તેથી તો એનો ઉમળકો એકાએક વધી ગયો. વળી હરિને પોતે જડ્યાનો સમય પણ મધરાતનો છે. કોઇની દખલગીરી નહીં. મનગમતું એકાંત. અને તેવે સમયે પોતે કોઈને જડી ગઈ. આનાથી રૂડું બીજું શું હોય?
જે જડે છે તે હંમેશાં ખોવાયેલું જ હોય છે. મળે છે તે તો શોધેલું કે સામેથી આવેલું હોય છે. ક્યાં ખોવાયેલી હશે આ મુગ્ધા? જેને પરમ પ્રેમની ઝંખના હશે તેવી એ હળવેથી ઢોલિયે ચડી. જેના કાન સરવા હશે તેવા સહૃદયોને એકવાર પ્રયોજાયેલો ‘ચડી’ શબ્દ પણ અહીં ત્રણ વાર સંભળાશે. ઢોલિયે ચડવાની એની ગતિ શાલીન છે. એ અથરી, રઘવાઈ કે ઉતાવળી પ્રેમિકા નથી. મંદિર ઉપર ધજા ચડે તેમ એ ઢોલિયે ચડી છે. મંદિર અને ધજાનો સંદર્ભ પ્રેમતત્ત્વની ગરિમા અને ઊંચાઈને આપોઆપ ચીંધી આપે છે. મંદિર અને ધજા સાથે ઢોલિયો પણ જોડી દઈ કવિએ પ્રિયતમના સંગાથની પાર્થિવ પણ ઊંચેરી ભૂમિકા રચી આપી છે.
ઢોલિયે ચડતી પ્રિયતમાનું ગતિશીલ ચિત્ર બહુ નમણું છે. એના હૃદયમાં રહેલા પ્રેમના કંપનો ધજાના ફરકાટ સાથે મેળ ખાય છે. આ ઢોલિયો જ જાણે કે એનું મંદિર છે. તેના આશ્રયે જે થાય તેને પૂજાનું સાત્વિક ગૌરવ આપવાનું છે તેવું અહીં આપોઆપ સમજાઈ જાય છે.
પંક્તિમાં તો એટલું જ છે કે પોતે હરિને જડી અને પછી ઢોલિયે ચડી. પરંતુ અહીં આટલું જ હોત તો આ કવિતા ન હોત. મંદિર અને ધજાના સંદર્ભથી ઢોલિયા પરના સહવાસનું સંબંધની પવિત્રતામાં થતું ઊર્ધ્વીકરણ અહીં જોઈ શકાય છે.
મધ્યકાળના કવિ દયારામ એમનાં એક પદમાં ‘તુજ સરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’ એવું કૃષ્ણનાં મુખે ગોપી માટે બોલાવડાવે છે. તેમાં ગોપીની અવહેલનાનો ભાવ જોનારને જો એ સમજાય કે આવું કહીને કૃષ્ણે ગોપીને પોતાના ચરણમાં સ્થાન આપી દીધું, તો એમને આ ઢોલિયાનો શૃંગાર કેટલી સાત્વિક ઊંચાઈ સુધી વિકસે છે તે સમજાય.
કવિતા સરવાળે તો અવ્યક્તને જ વ્યક્ત કરતી હોય છે. તે આનંદ આપે તેટલું જ આમ તો પૂરતું છે, પણ સાથે સાથે તે આપણી સમજની પરીક્ષા પણ કરે ત્યારે તેનું સૌંદર્ય ઓર નીખરી આવે છે. આપણી સરેરાશ સમજનું ઊર્ધ્વીકરણ થાય ત્યારે આવો શૃંગાર અનુપમ રસનો ભંડાર બની જાય છે. }
તર...બ...તર:રાષ્ટ્રની નસોમાં નવશક્તિના સંચારનું નવસંસ્કરણ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/rejuvenating-the-flow-of-energy-in-the-veins-of-the-nation-135324557.html

હરદ્વાર ગોસ્વામી સ્વામી વિવેકાનંદ જ્યારે જયપુરમાં હતા ત્યારે ખેતડીના મહારાજાએ એક સંગીત નૃત્યની મહેફિલમાં પધારવા આમંત્રણ આપ્યું. આ મહેફિલમાં એક નૃત્યાંગના ગાવાની હતી. સ્વામીજીએ એમાં આવવાનો ઈન્કાર કર્યો કારણ કે તેઓ સંન્યાસી હતા અને ભોગવિલાસથી તેઓ દૂર રહેતા હતા.
નૃત્યાંગનાએ કહ્યું ‘થોડીવાર પધારી શકો તો એ અમારા માટે ધન્ય ઘડી હશે.’ સ્વામીને નૃત્યાંગનાની અદબ અને આદર ગમ્યાં પણ વિનમ્રતાપૂર્વક કહ્યું, ‘માતા, મને ક્ષમા કરો, તમારી કલા માટે માન છે પણ હું આ પ્રકારના કાર્યક્રમમાં જતો નથી.’
આ સાંભળીને નૃત્યાંગનાને લાગી આવ્યું. તે કરુણ ઘેરા સૂરે સૂરદાસનું પદ ગાવા લાગી… ‘પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો….’
નૃત્યાંગનાનો સ્વર સાંભળીને સ્વામીજી અભિભૂત થઇ ગયા. વિવેકાનંદને લાગ્યું સંન્યાસીએ બધા પદાર્થો અને વ્યક્તિઓને બ્રહ્મની દૃષ્ટિએ જોવા જોઈએ. પછી એ મહેફિલમાં જોડાયા. નૃત્યાંગનાએ અદભુત પ્રસ્તુતિ કરી.
સ્વામીજીએ આંખમાં આંસુ સાથે નૃત્યાંગનાને કહ્યું, ‘મા, હું તમારો દોષી છું. આ ખંડમાં આવવાનો ઇન્કાર કરીને હું તમારું અપમાન કરવા જતો હતો. તમારા આ કરુણ ઘેરા ગીતે મારા અંતરાત્માને જગાડી દીધો છે.’ (વિવેકાનંદ, એ બાયોગ્રાફી : સ્વામી નિખિલેશ્વરાનંદ, 1987, પૃ. 105)
નૃત્યાંગનાએ કહ્યું કે ‘આજે મેં જાણે મંદિરમાં નૃત્ય કર્યું હોય તેવું લાગ્યું.’ સ્વામીજીએ કહ્યું કે ‘હું પણ તમારી કલા નિહાળીને ખૂબ પ્રભાવિત થયો છું. પરમહંસ પછી તમે મારા બીજા ગુરુ છો. તમે મને શીખવ્યું કે કોઈ વસ્તુને જોયા જાણ્યા વિના એના વિષે અભિપ્રાય બાંધવો યોગ્ય નથી.’
દતાત્રેયએ 24 ગુરુ બનાવ્યા હતા એમ વિવેકાનંદે અનેક ગુરુ બનાવ્યા હતા. સામાન્ય માણસ પાસેથી અસામાન્ય વાત જાણવા મળે તો એમને તેઓ ગુરુ બનાવતા હતા. દરેક માણસમાં ઓછામાં ઓછી એક વિશેષતા તો હોય. એને નાણવા અને જાણવા નરી નજર જોઈએ. વિવેકાનંદ પાસે એ દીર્ઘ દૃષ્ટિ હતી. કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એની ફલશ્રુતિ પહેલા વિચારી લેતા હતા.
એમના યુવાનો વિશેના વિચારો પણ યુવા હતા. ‘અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિના સંચારની... ફળની આસક્તિ રાખ્યા સિવાય કર્મશીલતા અપનાવો... કામ કરો, કામ કરો, કામ કરો. મોતની ઘડી સુધી કામ કરો. પૈસાની ચિંતા ન કરો. તે તો ઉપરથી વરસશે. બધાં જ મહાન કાર્યોની પ્રગતિ ધીમી રહેવાની... ધૈર્યવાળો માણસ અંતે જીતે છે. જીવનમાં શ્રદ્ધા રાખો કે તમારો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે.’
કુરકુરિયાં ભસવાથી ડરી જશો નહીં. અરે આકાશના વજ્ર પ્રહારથી પણ ડરશો નહીં... અત્યારે આપણે પાંચ-છ સિંહોની જરૂર છે પછી તો સેંકડો શિયાળિયાં પણ ઉત્તમ કામો કરી શકશે. શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી આખી જિંદગી પચ્યા વગર ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો મનુષ્ય ઘડનારા, જીવન ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તેમને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો જે માણસે આખું પુસ્તકાલય ગોખી નાખ્યું છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.
એમની બુદ્ધિપ્રતિભા શિક્ષકો કરતાં પણ સારી હોવાથી એને શાળામાં બહુ મજા આવતી ન હતી. એટલે ઘરે જ શિક્ષણ આપવાનું શરૂ કર્યું. નરેન્દ્રની યાદશક્તિ અતિ તીવ્ર હોવાથી એકવાર સાંભળેલું કે વાંચેલું તરત યાદ રહી જતું હતું.
સાત વર્ષની નાની ઉંમરે રામાયણના કેટલાય શ્લોકો કંઠસ્થ કરી લીધા અને ‘મુગ્ધબોધ’ સંસ્કૃત વ્યાકરણ પણ શીખ્યું. વિદ્યાર્થી કાળમાં નરેન્દ્રને રમતગમત અને સાધુઓ સાથે સત્સંગ કરવો બહુ ગમતો. ઘરે કોઈ સંત આવે તો એને ઓરડામાં પૂરી દેતા, જો એમ ન કરે તો કાં તો સંત સાથે વાતોએ વળગે અથવા એમની સાથે ચાલવા લાગે.
હિન્દુસ્તાનની અલૌકિક આધ્યાત્મિક પવિત્ર પરંપરાનું નવસંસ્કરણ કરનાર વિવેકાનંદનો જન્મ કોલકાતાના ખ્યાત વિદ્યાનુરાગી અને ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. મકરસંક્રાંતિમાં નરેન્દ્રનો જન્મ. આ ગાળામાં જન્મ લેનાર વ્યક્તિ મહાન બને છે એવી માન્યતા છે.
માતા ભુવનેશ્વરીદેવીએ બાળપણમાં જ નરેન્દ્રને આપણાં શસ્ત્રોથી વાકેફ કર્યાં હતાં. તેઓ અંધશ્રદ્ધા સામે હંમેશાં આકરા પાણીએ થતા. બંગાળી અને અંગ્રેજી સાહિત્યનું ખૂબ વાચન કર્યું. ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી કૉલેજમાં લીધું.
વેણીગુપ્ત અને અહમદખાન પાસે સંગીતનું વિધિવત્ પ્રશિક્ષણ પણ લીધું. અભ્યાસ દરમિયાન સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા. કોલકાતામાં 1898માં પ્લેગની જાળમાં સૌ ફસાયા હતા ત્યારે વિવેકાનંદ કોલકાતામાં રહીને લોકોની સેવા કરી હતી.
રાયપુરની મુસાફરી દરમિયાન તેમણે શતરંજમાં પણ માહેર હાસલ કરી હતી અને નાટ્યશાસ્ત્રના પણ અભ્યાસી હતા. એમનામાં અનેકવિધ પ્રતિભાઓ પડેલી હતી. પિતાનું મૃત્યુ થતા નરેન્દ્ર પર યુવા અવસ્થામાં ઘરની મોટી જવાબદારી આવી ગઈ. ઘર ચલાવવા બાર બાર કલાક કામ કર્યું. ‘જિંદગીનો આ પણ એક રંગ છે’ એમ કહી મુસીબતની પણ મજા લીધી. અગવડતામાં આરાધના કરી.
તેઓ દક્ષિણેશ્વર ગયા અને શ્રી રામકૃષ્ણની નિશ્રામાં એમની આધ્યાત્મિક આલમ ફરી જાગૃત થઇ. પૂર્વજીવનના સંબંધો અને સંસારી નામ ત્યાગીને ‘વિવેકાનંદ’ થયા. પછી ભારતીય આધ્યાત્મિક ઈતિહાસમાં એક નવું ઉજ્જવળ પૃષ્ઠ ઉમેરાયું. સનાતનના સંદેશ સાથે સમગ્ર ભારતની પરિક્રમા કરી.
ગુજરાત સાથેના એમનાં સહૃદય સંસ્મરણો છે. એમના વિદેશ જવાનાં બે કારણ હતા ‘સનાતન ધર્મનો વિસ્તાર અને ધન કમાઈને લાવવું અને દેશના દુઃખી બાંધવોનો ઉદ્ધાર થાય.’ જ્યારે જ્યારે વિદેશ જવા સ્ટીમરમાં બેસતા ત્યારે ત્યારે દેશ આંખોમાંથી ઓઝલ ન થાય ત્યાં સુધી માતૃભૂમિને એકીટસે નીરખ્યા કરતા. વિશ્વખ્યાત લેખક મેક્સમુલર કહે છે, ‘વેદ અને ઉપનિષદમાં સંસારની જે સંકલ્પના પ્રસ્તુત થઇ છે એ વિસ્મય પમાડનારી છે’.
સ્વામીજી જ્યારે ઇંગ્લૅન્ડમાં ગયેલા ત્યારે ઑક્સફોર્ડમાં મેક્સ મૂલર સાથે મુલાકાત થઈ હતી.
સંન્યાસી બન્યા પહેલા ભોજન કરવામાં બહુ રસ હતો. તેમણે ફ્રેન્ચ કુકિંગનો ઍન્સાઈક્લોપીડિયા હપ્તેથી ખરીદ્યો હતો અને વેદ પછી ખરીદેલા. સતત વિચારતા રહેતા હોવાથી સળંગ ઊંઘ કદી આવતી નહીં. 15 મિનિટ થાય અને આંખ ખૂલી જ જાય. એટલે જ કોઈને પણ ક્યારેય કામ હોય તો વિવેકાનંદ તૈયાર હોય, એટલે જ એમને બધા અડધી રાતનો હોંકારો કહેતા.
શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ‘બહેનો અને ભાઈઓ’નું સંબોધન આજે પણ સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે. ‘ઊઠો, જાગો અને 5GB ડેટા ન પતે ત્યાં સુધી મંડ્યા રહો’વાળી પેઢીએ વિવેકાનંદનું વ્યક્તિત્વ વાંગ્મય સમજવાની જરૂર છે.
આવજો...
દુઃખનાં પંખીઓને તમે તમારા માથા પર ઊડતાં રોકી શકતા નથી પણ તેમને તમારા માથા પર માળો બાંધતા તો જરૂર રોકી શકો છો. (ચાઇનીઝ કહેવત) }
કામદહન . પાર્થ વ્યાસ પ્રકરણ- 2 : રતિ:‘પદ્મસંભવ સાથે શું કર્યું તમે મા’દેવ?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/kamadahan-partha-vyas-chapter-2-rati-135334824.html

ન્મનું, કર્મનું કે સંજોગોનું સગપણ તો બધાનું હોય જ છે, પણ અમુક આત્માઓ એકબીજા સાથે અનંતકાળ માટે જોડાયેલા હોય છે. બસ આવો જ કંઈક સંબંધ હતો પદ્મસંભવ અને રતિનો. બાળપણના મિત્ર હતા બંને. પછી ક્યારેક એકબીજાના સહાધ્યાયી બન્યા, ક્યારેક પ્રતિસ્પર્ધી, ક્યારેક શત્રુ તો ક્યારેક તારણહાર. એમનેય નહોતી ખબર કે એમના સંબંધને શું નામ આપવું?
પોતાનો ગુસ્સો ઠારવો હોય તો પણ, ભૂલ કબૂલવી હોય તો પણ, વાદવિવાદ કરવો હોય તો પણ, ચિંતા કરવી હોય તો પણ, સ્વપ્નો સજાવવાં હોય તો પણ અને ઉત્સવ ઊજવવો હોય તો પણ-બંનેને વાતો કર્યાં વગર ચાલતું જ નહોતું.
ઇન્દ્રના મંત્રીમંડળમાં કામદેવ તરીકે જવાબદારી સંભાળતો હતો પદ્મસંભવ, તો રતિ હતી સ્વર્ગની નિશાપ્રહરી એટલે કે રાત્રિની રખેવાળ. પદ્મસંભવની શક્તિ હતી પ્રેમ, તો રતિની શક્તિ હતી અંધકાર. બંને પાસે ફક્ત સાંજનો સમય બચતો એકબીજાની આંખોમાં આંખો નાખીને વાતોના વડાં કરવા માટે. એ સાથે વિતાવેલી અમુક પળમાં બંને આંખો ભરી લેતાં, થાય એટલું જીવી લેતાં.
પછી આખા દિવસના કામથી થાકેલો પદ્મસંભવ ઘેર જતો અને રતિ પોતાના કામે જવા નીકળતી. જીવન અઘરું જ હોય છે. હા, જો પ્રેમ હોય તો થોડું ખુશનુમા જરૂર બની જતું હોય છે. પદ્મસંભવનું કામ એ જ હતું- લોકોના જીવનમાં પ્રેમ લાવવાનું, પણ અત્યારે રતિના જીવનમાંથી પ્રેમ ગાયબ થઇ ગયો હતો. એ એકલી પડી ગઈ હતી. પદ્મસંભવ મા’દેવને શોધવા નીકળ્યો તેને ઘણા દિવસો થઇ ગયા હતા. રતિને લાગ્યું કે પદ્મસંભવ મુશ્કેલીમાં છે એટલે એ હિમાલય પહોંચી ગઈ.
‘પોતાને સમજે શું છે આ મા’દેવ? એને શું એટલી બધી વ્યસ્તતા છે કે હજારો લોકોના જીવ જતા રહે તો પણ મદદ કરવા બે ઘડી આંખો ના ખોલે?’ પગ પછડાતી અને ગુસ્સામાં બરાડતી રતિ, થોડેક દૂર, બાજુના શિખર પાછળ ઊભી ઊભી પદ્મસંભવને જોતી રહી.
***
કોઈ પણ પદાર્થની રચના થાય છે ત્રણ પ્રકારના કણ દ્વારા-પ્રોટોન એટલે કે બ્રહ્મા, ન્યુટ્રોન એટલે કે વિષ્ણુ અને ઇલેક્ટ્રોન એટલે કે શિવ. સમસ્ત બ્રહ્માંડ આ ત્રણ કણો દ્વારા જ બનેલું હોય છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે અને શિવ વિનાશરૂ કરે છે. હિમાલયમાં ખુલ્લા ડીલે પલાંઠી વાળીને બેઠેલા મા’દેવ કોઈ જેવી-તેવી વ્યક્તિ નથી. એમની દોરવણી પર જ બ્રહ્માંડનો દરેકે-દરેક ઇલેક્ટ્રોન પરમાણુની નાભિની આસપાસ અવિરત ઘૂમરી ખાતો હતો.
પોતાની ત્રીજી આંખ થકી મા’દેવ નદીની માફક વહેતા ઇલેક્ટ્રોન પર નિરંતર નજર રાખતા, કારણ કે ભૂલેચૂકે જો તેમનું ધ્યાન ભટકે તો આ ઇલેક્ટ્રોન ક્ષણવારમાં સૃષ્ટિનું અસ્તિત્વ ભૂંસી દેવા સક્ષમ હતા અને કંઈક એવું જ થયું જયારે પદ્મસંભવે મા’દેવની ત્રીજી આંખમાં બાણ મારી દીધું!
તત્કાળ મા’દેવની ત્રણેય આંખો એકસાથે ખૂલી ગઈ. લલાટ પર બિરાજમાન એમની ત્રીજી આંખે પહેલાં ડાબે જોયું પછી જમણે જોયું અને પછી સામે જોયું તો ત્યાં કામદેવ ઊભો હતો. જ્યાં જ્યાં તેમની નજર પડી ત્યાં ઇલેક્ટ્રોન હારાકીરી કરતા સીધા પરમાણુની નાભિમાં પ્રોટોન તરફ ધસી ગયા. હવે તે કોઈના નિયંત્રણમાં ન હતા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના અથડાતાં જ ત્યાંથી ઊર્જાનો અધધ ધોધ વહી નીકળ્યો અને પદ્મસંભવ તથા કુશુ સહિત ત્યાં જે કંઈ પણ હતું તે સટ્ટ કરતાંક અદૃશ્ય થઇ ગયું.
દૂરથી આ જોઈ રહેલ રતિના મોઢામાંથી ચીસ નીકળી ગઈ: ‘પદ્મા…’ મા’દેવે તરત પોતાની ત્રણેય આંખો પાછી મીંચી દીધી અને પાછા તપસ્યામાં પોરવાઈ ગયા. જીવનમાં ક્યારેક આ પળ આવશે એવું રતિ એ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. એને કંઈ જ ખબર નહોતી પડી રહી કે એક જ ક્ષણમાં શું થઇ ગયું!
મધ્યાહ્ન હતો, સૂર્ય માથે જ તાપી રહ્યો હતો. તેના પ્રભાવમાં રતિ પોતાની શક્તિઓ પણ વાપરી શકતી નહોતી. હિમાલયના શૈત્ય પવનોની સામે અફળાતી, બરફમાં ડગ માંડતી રતિ તુંગનાથના બીજા શિખરથી ચાલતી નીકળી પડી મા’દેવ સુધી પહોંચવા માટે.
દરેક ક્ષણ એને એક વર્ષ જેટલી લાંબી લાગી રહી હતી. મનમાં વિચારોના જ્વાળામુખી ફાટી રહ્યો હતો અને ગુસ્સાનો તો પાર જ નહોતો. સાંજ થતાં સુધીમાં તે આખરે એ પડતી-આખડતી ચંદ્રશિલા પાસે પહોંચી. મા’દેવ હજી પણ ત્યાં જ બેઠા હતા, અવિચળ, પોતાની અનંત સાધનામાં લીન.
એક પણ ક્ષણ ગુમાવ્યા વગર એ તાડૂકી ઊઠી. ‘મા’દેવ! આંખો ખોલો નહીં તો સારું નહીં થાય!’ આ કોઈ વિનંતી કે પ્રાર્થના નહોતી, ખુલ્લી ધમકી હતી! પણ જે કામદેવના પાંચ-પાંચ શક્તિશાળી બાણ સામે ના ડગે તે મા’દેવને કોઈની ધમકીથી ક્યાં ફરક પાડવાનો હતો? એ તો બેઠા રહ્યા ત્યાંના ત્યાં જ.
રતિએ ફરીથી ત્રાડ નાખી. ‘પદ્મસંભવ સાથે શું કર્યું તમે મા’દેવ? એ ક્યાં છે?’ હવે રતિનો અવાજ કર્કશ અને શરીર ગરમીથી લાલચોળ થઇ ગયું હતું. જે એક-બે આંસુડાં તેના ગાલ પર પહેલાં વહેતાં હતાં તે હવે સુકાઈ ગયાં હતાં.
HTML Embed Code:
2025/07/03 21:15:43
Back to Top