જોબન છલકે:નસીબના ખેલ ન્યારા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/games-of-chance-135347991.html
શેફાલી પંડ્યા ‘અમી’ અમૃતા હમણાં-હમણાંથી કંઇક અલગ જ મૂડમાં જણાતી હતી. પહેલાં તો અમૃતા એકદમ ગંભીરતાથી કામમાં જ વ્યસ્ત જોવા મળે. કોઇની સાથે વાતચીત કરવાની થાય, તો પણ જરૂર પૂરતી વાત કરીને કામમાં લાગી જાય. એ અમૃતા આજકાલ ક્યારેક કોઇ રોમેન્ટિક ગીત ગણગણતી હોય, તો ક્યારેક સેલફોન પર લાંબી લાંબી વાતો કરતી હોય. અરે! લંચ-અવરમાં પણ એ હવે તો સાથીદારો સાથે શેરિંગ કરતી થઇ ગઇ હતી.
એનું આવું બદલાયેલું વર્તન જોઇ સ્ટાફમાં ઘણાને નવાઇ લાગતી અને કેટલાક જાતજાતની અટકળો કરતા, ‘ચોક્કસ કોઇક છોકરો મળી ગયો લાગે છે, નહીંતર આ મૂંજી આટલી બદલાયેલી ન હોય.’ તો કોઇ કહેતું, ‘ના યાર, કદાચ બીજી સારી જોબ મળી હોવી જોઇએ.’ કોઇ કહેતું, ‘અરે તમે લોકો નહીં સમજો. આ અમૃતા એક નંબરનો નૌટંકી યુવતી છે. એનું મન સહેલાઇથી કળી ન શકાય.’ આમ, આ બધી વાતોમાં અમૃતા તો પોતાની રીતે કામ કરતી રહેતી હતી.
એક દિવસ અમૃતા ઓફિસે ન આવી. એકાદ દિવસની રજા હોય તો કોઇને ખાસ ચિંતા ન થાય કે કેમ ગેરહાજર છે? પણ અમૃતા તો એ પછી પણ અઠવાડિયાં સુધી ઓફિસે આવી નહીં! ન તો એનાં તરફથી કોઇ સમાચાર આવ્યા. બધાં ફરી વિચાર કરવા લાગ્યા કે આખરે અમૃતા ક્યાં ગાયબ થઇ?
પંદર દિવસ વીત્યા અને અમૃતા ઓફિસે આવી. છેલ્લે જે અમૃતાને બધાએ મોજથી ખુશખુશાલ રીતે કામ કરતી જોઇ હતી, તેનાં સ્થાને આજે ઓફિસે આવેલી અમૃતા સાવ અલગ જ સ્થિતિમાં હતી. ઉદાસ ચહેરો અને લાઇટ કલરનો ડ્રેસ પહેરી એ વ્હીલ-ચેરમાં બેસી ઓફિસે આવી. એને ઓફિસે લાવનાર કોઇ હેન્ડસમ યુવાન હતો. અમૃતાની ચહેરા પર આછી ઉદાસીની છાયા સાથે થોડો ગર્વ પણ વર્તાતો હતો.
અમૃતાને આવેલી જોઇ બધાં એની આસપાસ ભેગાં થયાં અને કેમ આટલા દિવસ નહોતી આવી, તે અંગે પૂછવા લાગ્યાં. તે સાથે એ વ્હીલ-ચેર પર બેસીને કેમ આવી તે અંગે પણ સવાલોની ઝડી વરસી રહી. અમૃતાએ સૌથી પહેલાં તો પોતાને ઓફિસે લાવનાર યુવાનનો પરિચય બધાં સાથે કરાવતાં કહ્યું, ‘આ મારા ફિઆન્સે છે, આકાર. અને આકાર, આ બધાં મારા સહકાર્યકરો…’ આકારે સૌની સાથે શેક-હેન્ડ કર્યા.
અમૃતા એના બોસને મળીને બહાર આવી, પછી સૌના આગ્રહથી એ આકાર સાથે કેન્ટીનમાં ગઇ. ત્યાં એણે પોતાની વાત રજૂ કરી, ‘આકાર સાથે મારી સગાઇ થયે એક મહિનો થવા આવ્યો છે. હું પંદર દિવસ પહેલાં ઘરે પાછી ફરતી હતી, ત્યારે મારી સ્કૂટી સ્લિપ થઇ ગઇ. મારા પગનું હાડકું ફ્રેક્ચર થઇ ગયું એટલે ડોક્ટરે મને દોઢ મહિનો આરામ કરવાનો કહ્યો છે. મેં બોસને જાણ કરી અને એમણે મારી રજા મંજૂર કરી દીધી, પણ ઘરમાં આખો દિવસ હું એકલી કંટાળી જાઉં છું.
આજે તો મને વિચાર આવ્યો કે તમને બધાંને મળવા આવું અને જો બોસ હા કહે તો વ્હીલ-ચેર પર ઓફિસે આવવાનું શરૂ કરી દઉં. બોસે મને મંજૂરી આપી દીધી છે…’ અમૃતાના અવાજમાં થોડી ભીનાશ હતી.
આકાર બોલ્યો, ‘તમે બધાં પણ અમૃતાનું ધ્યાન રાખજો. આમ તો ડોક્ટરનું કહેવું છે કે એને કંઇ તકલીફ નહીં પડે, પણ હા, એને કાયમ માટે હવે ક્લચીઝ લઇને ચાલવું પડશે. હમણાં તો હું જ એને વ્હીલ-ચેરમાં બેસાડી મારી કારમાં મૂકવા-લેવા આવીશ…’ આકાર બોલી રહ્યો, ત્યારે સ્ટાફનાં સૌએ કહ્યું, ‘તમે ચિંતા ન કરો. અમૃતાને અમેં અહીં કંઇ તકલીફ પડવા નહીં દઇએ.’ આકારે સૌનો આભાર માન્યો.
અમૃતા જ્યારે ઘરે જવા નીકળી, ત્યારે સ્ટાફના સૌ એને લિફ્ટ સુધી મૂકવા આવ્યા. એ વખતે અમૃતાએ કહ્યું, ‘અત્યાર સુધી મને ખ્યાલ જ નહોતો કે તમે સૌ અને આકાર મને આટલો બધો પ્રેમ કરો છો. સાચે જ હું ખૂબ નસીબદાર છું.’ એ પછી આકારે એને કારમાં બેસાડી અને કાર આગળ વધી ગઇ.
>>Click here to continue<<